હિન્દ ન્યુઝ, ભાવનગર
ભાવનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થતાં ધરતીપુત્રોએ વિવિધ પાકોની સાથે પ્રાકૃતિક શાકભાજીનું વાવેતર કરીને ઝેરમુક્ત ખેતી અપનાવી છે. ખેડૂતો જો ઋતુ પ્રમાણે પ્રાકૃતિક શાકભાજીનું સમયસર વાવેતર કરે તો મબલક ઉત્પાદન મેળવી શકે છે. એ માટે બીજ માવજત, વાવેતર દરમિયાન રાખવાની થતી સાવચેતી, વાવવાની પધ્ધતિની સાથે જીવામૃતના ઉપયોગ અંગેની વિગતવાર જાણકારી મેળવીએ.
બીજ માવજત:
શાકભાજીના સારા ઉત્પાદન માટે બીજને બીજામૃતથી સંસ્કારિત કરો. બીજને સંસ્કારીત કરવાથી બીજમાં સારો ઉગાવો આવશે, તથા સારા પાકના રૂપમાં સારું ઉત્પાદન મળશે. બીજને જીવામૃતમાં ડુબાડો અને અમુક સામાન્ય બીજને ૬-૭ સેકન્ડ અને અમુક વિશેષ બીજને ૧૨-૧૪ કલાક સુધી ડુબાડો. જેમ કે, કારેલાનાં બીજ, ટિંડોળાનાં બીજ વગેરે. બીજને ચોક્કસ સમય પછી બહાર કાઢી તેમને છાયામાં સૂકવો ત્યારબાદ બીજનું ખેતરમાં વાવેતર કરો.
બીજના વાવેતર દરમિયાન રાખવાની થતી સાવચેતી :
જ્યારે આપણે પહેલાં વર્ષે રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરીએ છીએ. ત્યારે એવા શાકભાજી ઉગાડીએ કે, જે ઓછા રાસાયણિક ખાતરનો ઉપયોગ કરીને સારું ઉત્પાદન આપતાં હોય. જેમ જેમ આપણી જમીન તાકાતવાળી થશે, આપણે રાસાયણિક ખાતર કરતાં વધુ શાકભાજીનું ઉત્પાદન લઈ શકીશું. આ પ્રમાણે આપણે પ્રથમ વર્ષે જમીનને સજીવ બનાવવાનો પ્રયાસ કરીશું. જમીન ઉપજાઉ થયા પછી આપણે કોઈપણ શાકભાજી ઉગાડી શકીએ છીએ.
બીજ વાવવાની પધ્ધતિ :
જો તમે બે છોડ વચ્ચે ૨ ફૂટનું અંતર રાખો છો, તો ૪ ફૂટનાં અંતરે, થતાં જો ૨.૫ ફૂટનું અંતર છે, તો ૫ ફૂટનાં અંતરે તથા જો ૩ ફૂટનું અંતર છે તો ૬ ફૂટનાં અંતરે ચાસ બનાવવો જોઈએ.
પ્રાકૃતિક શાકભાજીમાં જીવામૃતનો ઉપયોગ:
રોપ રોપ્યા બાદ તુરંત એક એકરમાં ૨૦૦ લીટર જીવામૃત પાણી સાથે આપો.
જ્યાં સુધી ઉત્પાદન ચાલુ રહે ત્યાં સુધી મહિનામાં બે વાર ૨૦૦ લીટર જીવાત પાણીની સાથે આપો.
શાકભાજીના ઉત્પાદનમાં લગભગ ૬ વખત પાણી સાથે જીવામૃત દેવાની જરૂર પડતી હોય છે. પરંતુ જો પાક પીળો પડે તો ૧૦ ટકા જીવામૃતનો સ્પ્રે કરો.
અત્રે નોંધનીય છે કે, ભાવનગર જિલ્લામાં ખેડૂતો રાસાયણિક ખેતીને ધીરે ધીરે તિંલાજલી આપી રહ્યાં છે. જેમાં ખાસ કરીને પ્રાકૃતિક શાકભાજી ઝેરમુક્ત અને પોષક તત્વોથી ભરપૂર હોય છે. પ્રાકૃતિક રીતે ઉગાડેલી શાકભાજીમાં ખર્ચો નામ માત્ર થાય છે. સારા સ્વાસ્થ્ય માટે પણ પ્રાકૃતિક શાકભાજી ઉત્તમ છે.
