હિન્દન્યુઝ, નવસારી
ભારત સરકાર દ્વારા હાથ ધરાનારી જનગણના-૨૦૨૭ અંતર્ગત તા. ૧૭ મે ૨૦૨૬ થી ૩૧ મે ૨૦૨૬ દરમિયાન સ્વ-ગણના (Self-Enumeration) પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત નાગરિકો પોતાના ઘરે બેઠા ઓનલાઈન માધ્યમથી પોતાની તથા પરિવારની માહિતી નોંધાવી શકશે.
આ સંદર્ભે નવસારી જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાની દ્વારા જિલ્લાના નાગરિકોને સ્વ-ગણનાની પ્રક્રિયામાં સક્રિય સહભાગી બનવા અપીલ કરવામાં આવી છે.
જિલ્લા કલેક્ટરશ્રી મનીષ ગુરવાનીએ જણાવ્યું હતું કે જનગણના દેશના ભાવિ વિકાસ અને આયોજન માટેની સૌથી મહત્વપૂર્ણ રાષ્ટ્રીય પ્રક્રિયાઓમાંની એક છે.
જિલ્લા કલેક્ટરએ જિલ્લાના તમામ નાગરિકોને તા. ૧૭ મે થી ૩૧ મે ૨૦૨૬ દરમિયાન યોજાનારી સ્વ-ગણના પ્રક્રિયામાં જોડાઈ સાચી, સંપૂર્ણ અને સમયસર માહિતી ઓનલાઈન નોંધાવવા અનુરોધ કર્યો છે.
“આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ” સૂત્ર સાથે જનગણના-૨૦૨૭ને સફળ, સચોટ અને સર્વસમાવેશી બનાવવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને સહભાગી થવા અપીલ કરવામાં આવી છે.
સ્વ-ગણતરી કરવાની ક્રમવાર પ્રક્રિયા:-
1. પોર્ટલ (https://se.census.gov.in) ઉપર પ્રવેશ કરો.
2. કુટુંબની નોંધણી કરો.
3. ભાષા પસંદ કરીને મોબાઈલમાં આવેલ OTP નાંખો.
4. રહેણાંક સ્થળની વિગતો ભરો.
5. નકશામાં લાલ માર્કરને તમારા ઘર પર ખેંચો અને સેવ કરો.
6. ત્યારબાદ પૂછવામાં આવેલા તમામ પ્રશ્નોના સચોટ જવાબ ભરો.
7. સ્ક્રીન પર આવેલી માહિતીને ચકાસો અને સુધારો કરવાની જરૂર લાગે તો સુધારો કરો.
