આવો માસિક દરમિયાનની સ્વચ્છતા વિશે વાત કરીએ

હિન્દ ન્યુઝ, બોટાદ

           ૨૮ મે માસિક સ્વચ્છતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. કિશોરીઓને માસિક આવવુ તે કિશોરાવસ્થાનો એક કુદરતી ફેરફાર છે. દર મહિને અંત:સ્રાવોની અસરને કારણે સ્રીના ગર્ભાશયમાંથી લોહીની દીવાલો ખરી પડવાની ઘટનાને માસિક આવ્યુ એમ કહેવાય છે. સામાન્ય રીતે માસિક ચક્ર ૨૧ થી ૨૮ દિવસનું હોય છે. માસિક આવ્યા પહેલાના ૧૪મા દિવસે સ્ત્રીબીજ છુટુ પડે છે માસિક ચક્રના ૧૪ થી ૨૧ દિવસ દરમિયાન ગર્ભધારણ થવાની શક્યતા સૌથી વધારે હોય છે. આ દિવસો દરમિયાન જો પુરુષબીજ અને સ્રીબીજનું મિલન ન થાય તો માસિક આવે છે. કિશોરાવસ્થામાં પૂરતો પોષણક્ષમ આહાર લેવો જોઈએ

          માસિક વખતે નીકળતા લોહીને શોષવા માટે કપડાના પેડ બજારમાં મળતા કે સરકારી સેનેટરી પેડ, ફલાલીન કાપડ (ટાઈમપીસ) કે મેંસ્ટુઅલ કપ વાપરી શકાય છે. માસિક દરમિયાન વપરાતા કપડાને સાબુ-પાણીથી ધોવા, તડકે સુકવવા અને દિવસમા ૨ થી ૩ વાર બદલવા. બદલતા પહેલા અને પછી સાબુથી હાથ ધોવા.

          માસિક દરમિયાન પેઢુમાં, કમરમા, પગમા દુ:ખાવો થવો સામાન્ય છે પરંતુ જો ખૂબ જ દુ:ખાવો થાય કે જેથી કામ ન થઈ શકે અને શાળાએ રજા પાડવી પડે તો ડૉક્ટરની સલાહ લઈ દુ:ખાવાની ગોળી લઈ શકાય. આ સિવાય થોડી વાર આરામ કરવો. લીંબુ પાણી પીવુ અને ગરમ કપડા વડે શેક કરવો જેવા ઘરગથ્થુ ઉપાય કરી શકાય છે. અનિયમિત માસિક, ખૂબ વધારે માસિક કે યોનિમાર્ગમાંથી પીળો, વાસ મારતો સ્રાવ અને સાથે ખંજવાળ હોય તો ડોક્ટરને બતાવવું અને સારવાર લેવી.

             માસિક દરમિયાન દરરોજ નહાવું અને ગુપ્તાંગોની સફાઈ સ્વચ્છ પાણીથી કરવી. માસિકમાં વપરાયેલા પેડ કે કપડાના નિકાલ માટે તેમને બાળી દેવા અથવા તો કાગળમાં વીંટીને કચરાપેટીમાં ફેંકવા.

            માસિક દરમિયાનની સ્વચ્છતા રાખો અને પ્રજનનતંત્રના ચેપથી બચો. માસિક આવવું એક કુદરતી પ્રક્રિયા છે. તે અપવિત્ર કે ગંદુ નથી. તેને આવકારો અને હકારાત્મક વલણ રાખો તેમજ માસિક વિશે કિશોરીઓને અગાઉ થી જાણકારી આપો.

                       

Related posts

Leave a Comment