હિન્દ ન્યુઝ, રાજકોટ
ભારતીય ડાક વિભાગ દ્વારા આયોજિત ‘ઢાઈ આખર’ રાષ્ટ્રીય પત્રલેખન સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધામાં વિજેતાઓને ડાક વિભાગના અધિકારીઓ દ્વારા સન્માનિત કરાયા હતા.
પત્રો આપણા હૃદયમાં એક ખાસ સ્થાન ધરાવે છે. કારણ કે, તે પોતાની સાથે યાદો, આત્મીયતા અને સંવેદના લઈને આવે છે. જે ટેક્સ્ટ સંદેશાઓ કે ઇ મેઇલ્સમાં જોવા મળતા નથી. આમ, ‘ઢાઈ આખર’ ઝુંબેશ ફક્ત પત્ર લખવાની કળાનો ઉત્સવ નથી, પરંતુ દેશભરના વ્યક્તિઓને અર્થપૂર્ણ અને હૃદયસ્પર્શી રીતે તેમના વિચારો, લાગણીઓ અને મંતવ્યો વ્યક્ત કરવાની તક પણ પૂરી પાડે છે તેમ ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્ર અને કચ્છ ક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે અમરેલી મુખ્ય પોસ્ટ ઓફિસ ખાતે જણાવ્યું હતુ.
ભારતીય ડાક વિભાગ દ્વારા આયોજિત ‘ઢાઈ આખર’ રાષ્ટ્રીય પત્રલેખન સ્પર્ધામાં લિફાફા શ્રેણીમાં ૧૮ વર્ષથી વધુ ઉંમરના વર્ગમાં અમરેલીના જયકુમાર વાઈ. ગોલને સમગ્ર ગુજરાત પરિમંડલમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત થતાં પોસ્ટમાસ્ટર જનરલે ૧૦ હજારનો ચેક અને પ્રમાણપત્ર સાથે સન્માનિત કર્યા હતા. વિજેતા જયકુમાર પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિ., લાઠી ખાતે જુનિયર આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવે છે.
