હિન્દ ન્યુઝ, કચ્છ
કચ્છ ભુજના મેજિસ્ટ્રેટ આનંદ પટેલે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ મુજબ કચ્છ જિલ્લાના હદ વિસ્તારમાં કોઈપણ જાતના ફટાકડા ફોડવા ઉપર પ્રતિબંધ ફરમાવેલ છે. કચ્છ જિલ્લા મેજિસ્ટ્રેટ આનંદ પટેલે પોલીસ અધિક્ષક, પશ્ચિમ કચ્છ-ભુજ તથા પૂર્વ કચ્છ-ગાંધીધામની દરખાસ્ત મુજબ વર્તમાન સંજોગોને ધ્યાને લઈ કોઈપણ કૃત્યથી સામાન્ય નાગરિકોના મનમાં કોઈ ભય કે શંકા ઉત્પન્ન થાય તે હિતાવહ ના હોય તમામ પ્રકારના ફટાકડા ફોડવા અંગે જાહેરનામું બહાર પાડીને પ્રતિબંધ મુક્યો છે.
આ જાહેરનામાંનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરુદ્ધ પગલા લેવા માટે પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવા પોલીસ અધિકારીશ્રીઓને ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ અન્વયે ફરિયાદ કરવા અધિકૃત કરવામાં આવેલ છે તેમ જણાવાયું છે.
