NAT NEET 2025 પરીક્ષા અન્વયે જરૂરી પ્રતિબંધો ફરમાવતા બોટાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ

હિન્દ ન્યુઝ, બોટાદ 

     બોટાદ જિલ્લામાં નેશનલ ટેસ્ટીંગ એજન્સી દ્વારા NAT NEET 2025 EXAM, તા.૦૪/૦૫/૨૦૨૫ના રોજ સવારના ૧૪-૦૦થી ૧૭-૦૦ કલાક દરમિયાન યોજાનાર છે. આ પરીક્ષા બોટાદમાં કુલ-૦૩ પરીક્ષા કેન્દ્રો પર યોજાનાર છે. પરીક્ષા કેન્દ્રો ખાતે પરીક્ષાર્થીઓ નિર્ભયતાથી, શાંતિપૂર્વક તેમજ એખલાસભર્યા વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે બોટાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ પી.એલ.ઝણકાતે ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા,૨૦૨૩ની કલમ-૧૬૩ (ભા૨તના ફોજદારી કાર્યરીતી અધિનિયમ- ૧૯૭૩(૧૯૭૪નો ૨ જો)ની કલમ-૧૪૪)થી તેમને મળેલા અધિકારની રૂએ ફરમાવ્યું છે કે, આગામી તા.૦૪/૦૫/૨૦૨૫ ના રોજ સમય સવારના ૧૪-૦૦ થી ૧૭-૦૦ કલાક ના કુલ-૦૩ પરીક્ષા કેન્દ્ર ઉપર તથા જિલ્લાની કસ્ટોડીયન બેંક, એસ.બી.આઈ.કોર્ટ કંપાઉન્ડ બોટાદ, કેનેરા બેંક,બસ સ્ટેન્ડ સામે બોટાદ ખાતે આ મુજબનાં પ્રતિબંધો રહેશે.

પરીક્ષા કેન્દ્રો અને કસ્ટોડીયન બેંકના કમ્પાઉન્ડની ૧૦૦ મીટર ત્રિજ્યામાં આવેલા ઝેરોક્ષ/ફેક્સનાં વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓએ ઝેરોક્ષ/ફેકસ મશીનના ઉપયોગ પર પ્રતિબંધ રહેશે. તેમજ પરીક્ષા કેન્દ્રોની ૧૦૦ મીટરની ત્રિજ્યામાં મોટા અવાજે લાઉડ સ્પીકર કે બેન્ડવાજા વિગેરે ધ્વનિ વર્ધક સાધનોના ઉપયોગ પર, પરીક્ષા કેન્દ્રોમાં મોબાઈલ ફોન લઈ જવા પર, પરીક્ષા કેન્દ્રો અને કસ્ટોડીયન બેંકના કમ્પાઉન્ડની ૨૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં ચાર કે તેથી વધુ માણસો એકઠા થવા પર, પરીક્ષા કેન્દ્રોમાં પરીક્ષાર્થીઓ તથા ફરજ પરના સ્ટાફ કે અધિકૃત વ્યક્તિ સિવાય કોઈ અનઅધિકૃત વ્યક્તિએ પરીક્ષા કેન્દ્રોમાં પ્રવેશવા પર, કસ્ટોડીયન બેંકના કમ્પાઉન્ડની ૧૦૦ મીટર ત્રિજ્યામાં અનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર, કસ્ટોડીયન બેંકના કમ્પાઉન્ડની ૧૦૦ મીટર ત્રિજયામાં ખાનગી કાર્યક્રમ ક૨વા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. 

જાહેરનામાનો ઉલ્લંધન કરનારને ભારતીય ન્યાય સંહિતા,૨૦૨૩ની કલમ-૨૨૩ (ભા૨તના ફોજદારી અધિનિયમ (સને-૧૮૬૦ના ૪૫માં અધિનિયમ)ની કલમ-૧૮૮) મુજબ સજા થશે. જાહેરનામાના અમલ તથા તેના ભંગ બદલ પગલાં લેવા હેડ કોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવા અધિકારીને અધિકૃત ક૨વામાં આવે છે.

Related posts

Leave a Comment