રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ, પિતાનો વિશ્વાસ અને પુત્રીની તાકાતથી ચમત્કાર સર્જાયો

હિન્દ ન્યુઝ, બોટાદ 

           ભાઈ-બહેન સાથે રમવાની ઉંમરમાં, બહેનપણીઓ સાથે મનભરીને વાતો અને મસ્તી કરવાની ઉંમરમાં જો ખ્યાલ આવે કે દિકરીને તો થેલેસેમિયા મેજર જેવો રોગ છે ! આવા વિચાર માત્રથી દરેક માતા-પિતાના પગ નીચેથી જમીન સરકી જાય છે. પરંતુ હિંમત હાર્યા વિના તેની સારવાર કરાવી અને દિકરીને ફરી તેનાં ભાઈ-બહેન સાથે રમતી અને બહેનપણીઓ સાથે મજાની પળો પસાર કરતી કરી. અને આ તમામ તબક્કામાં સરકારશ્રીના રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ થકી તબીબો ખડેપગે મદદે રહ્યાં. આ કોઈ કહાની નથી પરંતુ હકિકત છે બોટાદ જિલ્લાનાં તરઘરા ગામનાં વતની હરેશભાઈ સાકળીયા અને તેમની 14 વર્ષીય દીકરી પલ્લવીની… 

              લોકો સાથે વાતો કરવી, મિત્રો બનાવવા, હસવું-રમવું જેવાં શોખ ધરાવતી પલ્લવીનો જન્મ વર્ષ 2011માં બોટાદ શહેરથી 10 કિલોમીટર દૂર આવેલાં તરઘરા ગામે થયો હતો. માતા-પિતા મજૂરીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતાં. ભણવામાં ખૂબ જ હોશિયાર એવી પલ્લવીના પરિવારજનોને સ્વપ્નેય ખ્યાલ ન હતો કે તેમની લાડકવાયીને થેલેસેમિયા મેજર જેવી બિમારીથી ગ્રસ્ત થઈ ગઈ છે. વર્ષ 2024માં SH-RBSK અંતર્ગત તબીબોની ટીમ તેમનાં ઘરે બાળકોનાં આરોગ્યની તપાસ કરવા માટે પહોંચી, ત્યારે માલુમ પડ્યું કે પલ્લવીને થેલેસેમિયા મેજર છે. પલ્લવીના પરિવારને સરકાર દ્વારા રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK)માંથી સંપૂર્ણ સહાય મળી.  

            પલ્લવીએ પોતાની સ્વસ્થતાની સફર અંગે જણાવ્યું હતું કે, “હું તરઘરા પ્રાથમિક શાળા ખાતે આઠમાં ધોરણમાં અભ્યાસ કરૂં છું. પહેલાં મને પગમાં ખૂબ જ દુ:ખાવો થતો હતો, પછી અમે રિપોર્ટ કરાવ્યાં. એમ.આર.આઈ અને સિટી સ્કેન કરાવતાં અમને ખબર પડી કે મને ગાંઠ છે. પછી અમે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મારી સારવાર કરાવી. આઠ ડોઝ અને ઓપરેશન બાદ હવે મારી તબિયત સારી છે અને હવે હું મારા મિત્રો સાથે રમી શકું છું, દોડી શકું છું, ભણવા જઈ શકું છું અને મને ગમતી દરેક વસ્તુ કરી શકું છું.”

           પલ્લવીના પિતા રમેશભાઈએ સરકારશ્રી પ્રત્યે આભાર વ્યક્ત જણાવ્યું હતું કે, આર.બી.એસ.કે. ટીમની મદદથી મારી દિકરીને સંપૂર્ણ સારવાર મળી. હવે મારી દિકરી સામાન્ય જીવન જીવી રહી છે. આર.બી.એસ.કેની ટીમ દ્વારા મને પૂરો સહયોગ મળ્યો. આ સારવાર માટે મને 34 લાખ જેટલો ખર્ચ થતો હતો. પરંતુ સરકારશ્રીની મદદથી મારી દિકરીની સારવાર નિ:શૂલ્ક થઈ ગઈ છે. મારી દિકરીને નવું જીવન આપવા બદલ અમે સરકારનાં આભારી છીએ.”

             આર.બી.એસ.કે. ટીમમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતાં ડો. દશરથ રાઠોડે આ વિશે જણાવ્યું હતું કે, “તરઘરા ગામે પ્રાથમિક શાળામાં બાળકોનાં આરોગ્યની તપાસ કરવા માટે પહોંચ્યાં હતાં. તેમાં અમને જાણવા મળ્યું કે પલ્લવી નામની વિદ્યાર્થિની ઘણાં દિવસોથી શાળાએ ગેરહાજર રહે છે, હોમવિઝિટ કરતાં અમને ખ્યાલ આવ્યો કે પલ્લવીના પરિવારજનો સિટી સ્કેન અને એમ.આર.આઈ કરાવીને આવ્યાં હતાં. ત્યારબાદ અમને જાણવા મળ્યું કે દિકરીને થેલેસેમિયા મેજર નામની બિમારી છે. અમે તેમને ફોર્મ ભરવામાં મદદ કરી હતી. જેનાં થકી આઠ ડોઝ અને પ્લાઝ્મા ટ્રાન્સફ્યૂઝન સહિત પૂરી ટ્રીટમેન્ટ આપવામાં આવી છે. આ ટ્રીટમેન્ટ ખૂબ જ ખર્ચાળ છે, પરંતુ સરકારશ્રીના કાર્યક્રમ અન્વયે આ સારવારમાં દર્દીનાં પરિવારજનોને કોઈપણ ખર્ચ થયો નથી. ટીમ દ્વારા દર્દીની નિયમિત ચકાસણી પણ કરવામાં આવી રહી છે.”

            RBSKની કામગીરી અંગે રાઠોડે જણાવ્યું હતું કે, “રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ અંતર્ગત ગુજરાત રાજ્યનાં તમામ જિલ્લા, તાલુકાઓ, ગ્રામ્ય વિસ્તારમાં આ યોજના કાર્યરત છે. જે અંતર્ગત 0 થી 18 વર્ષનાં બાળકોનું આરોગ્ય નિદાન અને સારવારનું મુખ્ય કાર્ય છે.”

         થેલેસેમિયા એક વારસાગત રક્ત વિકાર છે જે શરીરમાં હિમોગ્લોબિનનું ઉત્પાદન ઘટાડે છે. હીમોગ્લોબીન જે લાલ રક્તકણોમાં આયર્નથી ભરપૂર પ્રોટીન છે જે ઓક્સિજનનું વહન કરે છે. આનાથી એનિમિયા અને અન્ય તબીબી સમસ્યાઓ થઈ શકે છે. હિમોગ્લોબિનનું ઓછું સ્તર શરીરમાં ઓક્સિજન ઘટાડે છે અને એનિમિયા, નિસ્તેજ ત્વચા, નબળાઈ અને થાકનું કારણ બની શકે છે. આ રોગમાં બાળકને દર ૧૫ દિવસ અથવા દર મહિને આજીવન બ્લડ ચડાવવું પડતું હોય છે. થેલેસેમિયા મેજરના ઓપરેશનથી બાળક એકદમ તંદુરસ્ત થઈ જાય છે અને તેની લોહી સંબંધિત કોઈ ખામી આજીવન રહેતી નથી તેમજ આજીવન સ્વસ્થ જીવન જીવી શકે છે.   

            આ ઓપરેશનનો ખર્ચ ખાનગી હોસ્પિટલોમાં અંદાજે 35 થી 40 લાખ સુધી ખર્ચ થતો હોય છે. જે સરકારના RBSK (રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ) શાળા આરોગ્ય અંતર્ગત સંપૂર્ણ નિ:શૂલ્ક કરી આપવામાં આવે છે.

            થેલેસેમિયા મેજરના બોટાદ જિલ્લામાં આજ સુધી કુલ 3 સફળ ઓપરેશન થયાં છે અને બાળકો એકદમ તંદુરસ્ત જિંદગી જીવી રહ્યાં છે.

       સરકાર દ્વારા પૂરી પાડવામાં આવતી સુલભ આરોગ્ય સંભાળ થકી બાળકોથી માંડી વૃદ્ધો સુધી તમામ નાગરિકોનાં જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે. જેનું જીવંત દ્રષ્ટાંત પલ્લવી અને તેનો પરિવાર છે. સારવારના આ તબક્કામાં પલ્લવી અને તેનાં પરિવારને અનેક મુશ્કેલીઓ આવી પરંતુ સરકારના સથવારે તમામ મુશ્કેલીઓ સુપેરે પાર પડી. 

Related posts

Leave a Comment