હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
ઈણાજ કલેકટર કચેરીના સભાખંડ ખાતે કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી.
જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં સ્વાગત કાર્યક્રમ સહિત રજૂ થયેલા પ્રશ્નો અને મુદ્દાઓ અંગે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા અધિકારીઓ સાથે ચર્ચા કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત ધારાસભ્ય શ્રી ભગવાનભાઈ બારડ દ્વારા રજૂ કરાયેલ પ્રશ્નો અંગે વિસ્તૃતમાં ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં ગીર સોમનાથ જિલ્લામાં વિવિધ વોટર લોગિંગના પોઈન્ટ આઈડેન્ટીફિકેશન અને તેના નિવારણ માટે કરવાના થતા આગોતરા આયોજન અંગે સમીક્ષા કરવામાં આવી હતી અને જન પ્રતિનિધિ દ્વારા દિશાસૂચક દિવાદાંડી, મત્સ્ય ઉતરાણ કેન્દ્ર, પવનચક્કીની મંજૂરી, પવનચક્કીની કામગીરી, સૂત્રાપાડાના તાલુકાના વિરોદર ગામે અતિ જર્જરિત પાણીની ઊંચી ટાંકી બાબત, બ્રોડગેજ-મીટરગેજ લાઈન વગેરે વિશે પ્રશ્નો રજૂ કરવામાં આવ્યાં હતાં.
જનપ્રતિનિધિ દ્વારા રજૂ કરાયેલા આ તમામ પ્રશ્નો ધ્યાને લઈ કલેક્ટરએ જનસુખાકારીના પ્રશ્નોનું નિયમસર અને સમયસર કામ કરી એક-બીજા વિભાગોના સંકલનમાં રહીને સકારાત્મક દિશામાં કામગીરી કરવા સંલગ્ન વિભાગોને સૂચના આપી હતી.
આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ મંજૂલાબહેન મૂછાર, જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજા, ગીર-પશ્ચિમ વનવિભાગના નાયબ વન સંરક્ષક પ્રશાંત તોમર, નિવાસી અધિક કલેકટર રાજેશ આલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશી, સહાયક વન સંરક્ષક વિકાસ યાદવ, પ્રાંત અધિકારી વિનોદ જોશી સહિતનાં જિલ્લા-તાલુકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
