હિન્દ ન્યુઝ, જામનગર
જામનગર આઈ.સી.ડી.એસ. શાખા દ્વારા પોષણ ઉત્સવ અંતર્ગત જીલ્લા કક્ષાની પૌષ્ટિક વાનગી સ્પર્ધાનું આયોજન કુંવરબાઈ જૈન ધર્મશાળા ખાતે કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં જામનગર જિલ્લાના ૬ તાલુકાના ૭ ઘટક કક્ષાએ ટેક હોમ રાશનમાંથી, મિલેટ અને સરગવામાંથી બનતી વાનગીમાં પ્રથમ,દ્વિતીય અને તૃતીય નંબર મેળવેલ સ્પર્ધકોએ ભાગ લીધો હતો.
આ સ્પર્ધામાં ભાગ લેનાર આંગણવાડી કાર્યકર અને લાભાર્થીઓ દ્વારા વિવિધ ૪૨ પ્રકારની વાનગીઓ બનાવવામાં આવી હતી. મિલેટ અને THR માંથી ૧ થી ૩ નંબર મેળવેલ સ્પર્ધકોને ઈનામ અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. વધુમાં, જિલ્લા આયુર્વેદ શાખા દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિત તમામને ઉકાળા વિતરણ કરવામાં આવ્યું હતું.
આંગણવાડીની બહેનોએ મિલેટ્સનો હાંડવો, મિલેટ્સના પિઝા, બાજરીની ચાટ, રાગીના લાડુ, રાગીના ઢોસા, બાજરીની ઈડલી, THRમાંથી ખજુરપાક, કેક, મુઠીયા, પૂર્ણાશક્તિ અને અળવીનાં પાતરા, મન્ચુરિયન વગેરે જેવી વાનગીઓ બનાવી હતી. જે દર્શાવે છે કે સ્વાદિષ્ટ અને ચટપટુ ભોજન THR અને મિલેટ્સમાંથી પોષ્ટીક રીતે બનાવી શકાય છે.
આ વાનગી સ્પર્ધામાં નિર્ણાયક તરીકે જિલ્લા આંકડા અધિકારી બિનલબેન સુથાર, જિલ્લા આયુર્વેદ અધિકારી ડૉ. એ.ડી. જૈસવાલ, આયુર્વેદ MO ડૉ. ફોરમ પરમાર વગેરેએ પોતાનું યોગદાન આપ્યું હતું તેમજ લાભાર્થીઓને THR અને મીલેટસ પોતાના રોજિંદા જીવનમાં સ્થાન આપવા માટે અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમમાં મહિલા અને બાળ વિકાસ યુવા પ્રવૃત્તિ સમિતિનાં ચેરમેન ભાવનાબેન ભેંસદડીયા, જિલ્લા પ્રોગ્રામ ઓફિસર પ્રજ્ઞાબેન રાવલ, જિલ્લાનાં બાળ વિકાસ અધિકારી, તમામ મુખ્ય સેવિકા તેમજ ICDS શાખાનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.