પ્રાકૃતિક ખેતીથી લિવરના રોગમાં સુધારો અને તંદુરસ્તીમાં વધારો થયો : કંડારી ના ખેડૂતનો દાવો

હિન્દ ન્યુઝ,

પ્રાકૃતિક ખેતીથી ઉત્પન્ન થતી ખેત પેદાશો રસાયણો અને વિકૃતિ થી મુક્ત અને સાત્વિક હોય છે એ તો સુવિદિત છે. ત્યારે કરજણ તાલુકાના કંડારીના ખેડૂત હરિકૃષ્ણ પટેલે પ્રાકૃતિક ખેતીના સત્વશીલ ઉત્પાદનોના સેવન થી લિવરના રોગમાં સુધારો અને તંદુરસ્તીમાં સુધારો થયો હોવાનો દાવો વિશ્વાસ સાથે કરે છે.

આ ખેડૂત છેલ્લા ૬ વર્ષથી, લગભગ ૨૦૧૮ થી લિવરના રોગથી પીડાય છે. તબીબો એ પણ તેમના રોગનો ઈલાજ માત્ર લીવર ટ્રાન્સપ્લાન્ટ છે એવો અભિપ્રાય આપી દિધો હતો.

જો કે તેમણે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવી અને તેના હેઠળ પકવેલા ખેત ઉત્પાદનોનું સેવન કર્યું. જેના ચમત્કારિક પરિણામો મળ્યા એવું તેમનું કહેવું છે. મને પ્રાકૃતિક ખેતીએ નવું જીવન આપ્યું એવી લાગણી વ્યક્ત કરતા તેઓ ખેડૂતોને આ ખેતી અપનાવવા ભલામણ કરે છે.

તબીબોએ તેમના લિવરના ઈલાજ પાછળ અંદાજે ૭૦ લાખ રૂપિયાના ખર્ચનો અંદાજ આપ્યો ત્યારે તેઓ ચિંતામાં મુકાઈ ગયા. જો કે સદનસીબે એ જ સમયે યુટ્યુબ પર પ્રાકૃતિક ખેતીનો એક વીડિયો તેમણે જોયો અને તેમને આશાનું કિરણ એમાં દેખાયું.

તેમણે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી શરૂ કરી અને ખાનપાન ની આદતો બદલી.સત્વશીલ અનાજ અને ભોજનમાં શિસ્ત પાલન થી એમની તબિયતમાં નોંધપાત્ર સુધારો અનુભવાયો.

તેઓ કહે છે કે,૨૦૧૮ માં તબીબી રિપોર્ટમાં મારું લીવર ૭૫ ટકા નુકશાન પામેલું જણાયું હતું. પરંતુ કુદરતી જીવન શૈલી અપનાવતા લાભ થયો. ત્યારથી હું કંડારી ગામની મારી બે એકર જમીનમાં ગાય આધારિત કુદરતી ખેતી કરું છું. મારા ખેતરમાં શાકભાજી, મસાલા, ફળ અને ઔષધીય વનસ્પતિઓ ઉગાડું છું જેના સેવનના ચમત્કારિક પરિણામ મળ્યા છે.હવે મારું લીવર ૪૦ ટકા જેટલું કાર્યરત થયું છે. મારી પત્નીની મદદ થી મેં પ્રાકૃતિક રસો સહિત સમતોલ આહાર પદ્ધતિ તૈયાર કરી છે. આ બાબત મારા સ્વાસ્થ્ય માટે રામબાણ ઉપાય બની છે.

આ પરિણામો થી મારા તબીબને પણ આશ્ચર્ય થયું છે. તેઓ ગૌ શાળા અને પ્રાકૃતિક ખેતીના આરોગ્ય લાભો થી પ્રભાવિત થયા છે. મારી તંદુરસ્તીમાં સુધારો પ્રાકૃતિક ખેતી અને શુદ્ધ ઉત્પાદનોના સેવન થી થયો એવું હું માનું છું. હું ખેડૂતોને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવવા અને લોકોને આવી ખેતીના ઉત્પાદનો ઉપયોગમાં લઈને તંદુરસ્ત જીવન જીવવા અનુરોધ કરું છું એવું હરિકૃષ્ણ પટેલ કહે છે.

Related posts

Leave a Comment