રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના ઉપાધ્યક્ષા શ્રીમતી અંજના પવારના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

    ભારત સરકારના રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના ઉપાધ્યક્ષા શ્રીમતી અંજના પવારના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી, ઈણાજ ખાતે સફાઈ કર્મચારીઓની ઉપસ્થિતિમાં એક બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના ઉપાધ્યક્ષાએ જિલ્લાના સફાઈ કર્મીઓના જીવનમાં સુધારો આવે, તેમનું પુનર્વસન થાય તે માટેના પ્રયત્નો હાથ ધરવા માટે ઉપસ્થિત અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું.

સમાજની અંતિમ પંક્તિમાં બેઠેલા સફાઈકર્મીઓ સમાજના સાચા સેવક છે. જેઓ સમાજને સ્વચ્છ અને તંદુરસ્ત રહેવા માટે મહત્વપૂર્ણ કાર્ય કરે છે ત્યારે તેમની પ્રત્યે સંવેદના અને અનુકંપાથી કાર્ય કરવા માટે તેમણે ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું.

ઉપાધ્યક્ષએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ સ્વચ્છતાને મહત્વ આપે છે. તાજેતરમાં જ આપણે સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી કરીને સ્વચ્છાગ્રહ કેળવવા સમાજને જાગૃત કર્યા હતા. સફાઈકર્મીઓ સમાજની ગંદકી સાફ કરીને સ્વચ્છ રાખે છે ત્યારે આવા કર્મીઓ તથા તેમના સંતાનોને જરૂરી લાભ તથા સહાય મળે એ જરૂરી છે.

ઉપાધ્યક્ષાએ સફાઈ કર્મચારીઓના આર્થિક, સામાજિક અને શૈક્ષણિક પુનર્વાસ માટે વિશેષ કાળજી લઈ જરૂરી મદદ કરવા માટે પણ જણાવ્યું હતું.

તેમણે સફાઈકર્મીઓના પગાર ભથ્થા, પેન્શન, પીએફ, સુરક્ષા ઉપકરણો, ઋતુ પ્રમાણે ડ્રેસ, ઓળખપત્ર, આરોગ્ય તપાસ, ગ્રેચ્યુઈટી સહિતની નાની-નાની બાબતો વિશે વિસ્તૃતથી ચર્ચા કરી અને તેનું વિશ્લેષણ કર્યું હતું.

ઉપાધ્યક્ષાએ સફાઈકર્મીઓ માટે સ્વચ્છ આવાસ, કાર્યસ્થળે ચેન્જિંગ રૂમ, આવાસ સ્થળે કોમ્યુનિટી હોલ, લાઇબ્રેરી સહિતની સુવિધાઓ વિકસિત કરવા માટે ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું

કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાએ સફાઈકર્મીઓના રહેણાંકના વિસ્તારોમાં આગામી સમયમાં જરૂરી સ્વચ્છતા થાય તે માટે ઉપસ્થિત નગરપાલિકાઓના ચીફ ઓફિસરઓને સૂચના આપી સફાઈ કર્મીઓ માટે ઉપયોગી વ્યવસ્થાઓ વિકસાવવા પર સંવેદનાથી કાર્ય કરવા માટે માર્ગદર્શન આપ્યું હતું.

આ બેઠકમાં જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, નિવાસી અધિક કલેકટર રાજેશ આલ, વિવિધ તાલુકાઓના ચીફ ઓફિસરઓ, જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ, એજન્સીના પ્રતિનિધિઓ, સફાઈકર્મીઓ સહિતના અધિકારીઓ ઉપરાંત જિલ્લાના નગરપાલિકાના અધિકારીઓ-પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યાં હતા.

Related posts

Leave a Comment