હિન્દ ન્યુઝ, જામનગર
યા દેવી સર્વ ભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા, નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમ: ભક્તિ, શક્તિ અને આરાધનાનો ત્રિવેણી સંગમ એટલે નવરાત્રી. ગુજરાતીઓને નવી ઉર્જા અને નવી ચેતના આપતો આ તહેવાર સજુબા સરકારી ગર્લ્સ હાઇસ્કુલ જામનગર ખાતે દીકરીઓ દ્વારા ખૂબ હોશભેર અને ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવેલ. જેમાં શાળાની 700 જેટલી દિકરીઓએ સજુબા સરકારી ગર્લ્સ હાઈસ્કૂલના પટાંગણમાં નવરંગ નવરાત્રી મહોત્સવની ઉજવણી કરી રાસ ગરબાની રમઝટ બોલાવી હતી.વિદ્યાર્થીનીઓ દ્વારા માતાજીના ગરબા તેમજ દાંડિયા રાસ દ્વારા જગત જનની માં જગદંબાની આરાધના કરવામાં આવેલ. કાર્યક્રમ અંતર્ગત શાળા દ્વારા ગરબા સ્પર્ધામાં વિવિધ કેટેગરી અંતર્ગત તાળી રાસ, પંચીયા રાસ , ફ્રી સ્ટાઇલ રાસ, વેલ ડ્રેસ વગેરેમાં એક થી ત્રણ ક્રમાંક આપી દીકરીઓને ઇનામ પણ આપવામાં આવેલ અને સ્ટાફ પરિવાર દ્વારા અભિનંદન પાઠવવામાં આવેલ હતા. સમગ્ર કાર્યક્રમ માટે શાળાના આચાર્યા તેમજ સ્ટાફ પરિવારે જહેમત ઉઠાવી હતી.