સ્વચ્છતા હી સેવા: ઓલપાડ બજારમાં પ્લાસ્ટિક બેગનો ઉપયોગ ધટાડવાની સાથે કાપડની થેલીને પ્રોત્સાહન આપવાની નવતર પહેલ

હિન્દ ન્યુઝ, સુરત

     સરકારના ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનના અંતર્ગત ઓલપાડમાં પ્લાસ્ટિકના વધતા ઉપયોગને રોકવા માટે મહત્વપૂર્ણ પગલાં લેવાયા છે. આ અભિયાન હેઠળ ઓલપાડ માર્કેટમાં પ્લાસ્ટિક થેલીઓના સ્થાને કાપડની થેલીના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે વિશેષ વેન્ડીંગ મશીન મુકવામાં આવ્યું હતું. ગ્રાહકો દશ રૂપિયાનો સિક્કો નાખીને કાપડની થેલી મેળવી શકે છે. 

          પર્યાવરણને પ્લાસ્ટિકના નુકસાનથી બચાવવા અને સ્વચ્છતા તરફ પગલું ભરવાના હેતુ સાથે ઓલપાડ માર્કેટમાં શાકભાજીનું વેચાણ કરતાં મનીષાબેન જગદીશભાઈ પટેલે આ પહેલ અંગે જણાવ્યું કે,”મોટાભાગના ગ્રાહકો પહેલાં પ્લાસ્ટિકની થેલી માંગતા હતા,પરંતુ હવે લોકો કાપડની થેલી તરફ વળવા લાગ્યા છે. જો કોઈ ગ્રાહક પોતાની થેલી લાવવાનું ભૂલી જાય તો તે વેન્ડીંગ મશીનથી કાપડની થેલી મેળવી શકશે, જેનાથી પ્લાસ્ટિકના ઉપયોગમાં ચોક્કસ ઘટાડો થશે. ‘સ્વચ્છતા હી સેવા’ ઝુંબેશ અંતર્ગત આ પહેલથી સ્થાનિક વેપારીઓ અને ગ્રાહકો બંનેમાં પ્લાસ્ટિકમુક્ત અભિયાનની સમજણ વધશે.

           મનીષાબેને વધુમાં કહ્યું, અમે તમામ ગ્રાહકોને પ્લાસ્ટિક થેલીનો ઉપયોગ ન કરવાની અપીલ કરી રહ્યા છીએ અને કાપડની થેલીનો ઉપયોગ કરવાનું પ્રોત્સાહન આપી રહ્યા છીએ.આ ઝુંબેશ અને વેલ્ડિંગ મશીનની સ્થાપનાથી ઓલપાડ અને આસપાસના વિસ્તારોને પ્લાસ્ટિકમુક્ત બનાવવા માટે એક સકારાત્મક પ્રેરણા મળી છે, જેનાથી લોકોને પર્યાવરણ સંરક્ષણમાં સહભાગી થવાની તક મળી રહી છે. 

           ઓલપાડ માર્કેટમાં થયેલી આ પહેલ ‘સ્વચ્છ ભારત’ અભિયાન માટે મહત્વનું પગલું છે. આ સાથે કાપડની થેલીઓ દ્વારા પર્યાવરણને બચાવવા લોકોમાં જાગૃતિ પણ ફેલાશે. 

Related posts

Leave a Comment