હિન્દ ન્યુઝ, સુરત
સુરત શહેરમાં તા.૩ થી ૧૨ ઓકટોબર દરમિયાન થઈ રહેલી નવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી બાદ કરાતા માં દુર્ગાની મૂર્તિઓના વિસર્જનમાં કેન્દ્રીય પ્રદૂષણ બોર્ડ અને ઉચ્ચ ન્યાયાલય દ્વારા જાહેર ગાઈડ લાઇનને આધારે પર્યાવરણની જાળવણીને ધ્યાને લઈ મૂર્તિઓનું વિસર્જન થાય તેમજ વિસર્જન દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે હેતુથી શહેર પોલીસ કમિશનરશ્રી અનુપમ સિંહ ગહલૌત દ્વારા એક જાહેરનામા દ્વારા કેટલાક પ્રતિબંધો મુકવામાં આવ્યા છે. જે અનુસાર માતાજીની માટીની મુર્તિઓ બેઠક સહીતની ૪ ફૂટ કરતા વધારે ઊંચાઇની કે પી.ઓ.પી.ની મૂર્તિ બનાવવા, વેચવા, સ્થાપના કરવા, તથા જાહેર માર્ગો ઉપર પરીવહન કરવા ઉપર, S.M.C. દ્વારા વિસર્જન માટે નિયત કરવામાં આવનાર સ્વીકાર કેન્દ્રો સિવાયના અન્ય કુદરતી સ્થળે મુર્તિઓના વિસર્જન કરવા ઉપર, મુર્તિઓ બનાવવાની જગ્યાની આજુબાજુ કોઈ પ્રકારની ગંદકી કરવા કે મુર્તિ રોડ ઉપર જાહેરમાં ખૂલ્લી રાખવા ઉપર, સ્થાપના દિવસ બાદ વધેલી તથા ખંડીત મુર્તિઓને બિનવારસી હાલતમાં મુકવા ઉપર, કોઇ પણ ધર્મના લોકોની લાગણી દુભાય એવા કોઇ ચિન્હો કે નિશાનીવાળી મુર્તિઓ બનાવવા ખરીદવા, તથા વેચવા ઉપર, વિસર્જન પૂર્ણ થયા બાદ તમામ મંડપો બે દિવસ કરતા વધારે દિવસ સુધી રાખવા ઉપર, પરમીટમાં દર્શાવેલ રૂટ સિવાય અન્ય રૂટ ઉપર વિસર્જન કરવા જવા ઉપર, મુર્તિઓની બનાવટમાં પાણીમાં સરળતાથી ઓગળી ન શકે તેવા ઝેરી કેમિકલ યુક્ત રંગોનો ઉપયોગ કરવા ઉપર, કોઇ પણ આયોજક/ વ્યક્તિ પીવાના પાણી માટે ઉપયોગમાં લેવાતા કુદરતી જળ સ્ત્રોતમાં મુર્તિઓનું વિસર્જન કરવા પર, વિસર્જન માટે સરકારના વન અને પર્યાવરણ વિભાગ/ કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તથા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ઠરાવેલ પદ્ધતિ સિવાયની કોઇ પણ પધ્ધતિથી મુર્તિ વિસર્જન કરવા પર પ્રતિબંધ મુકાયો છે. આ જાહેરનામનો અમલ તા.૧૨/૧૦/૨૦૨૪ સુધી કરાશે અને તેનો ભંગ કરનાર સજાને પાત્ર ગણાશે.