હિન્દ ન્યુઝ, સુરત
વિશ્વમાં સતત વધતી માંગ અને વિવિધ ઉપયોગિતાના લીધે કપાસના પાકને સફેદ સોનાના નામે ઓળખવામાં આવે છે. કપાસ મહત્વના મુખ્ય ખેતી પાકોમાંથી એક છે. પ્રાકૃતિક રેસા આપનાર કપાસનો પાક ભારતભરમાં સૌથી મહત્વનો રોકડિયો પાક છે. જેનું ભારતની ઔદ્યોગિક તેમજ કૃષિ અર્થવ્યવસ્થામાં મહત્વનું સ્થાન છે. કપાસની ખેતી પિયત અને બિનપિયત બંને પ્રકારે કરવામાં આવે છે. ખેડૂતો કપાસની સાથે સહજીવી પાકોની ખેતી કરીને વધારાનું ઉત્પાદન પણ મેળવી શકે છે. પરંતુ ખેડૂતમિત્રો શું તમે જાણો છો કે કપાસનું ઉત્પાદન જો પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરવામાં આવે તો તેના અઢળક ફાયદા થઈ શકે છે..
પ્રાકૃતિક કૃષિ અલગ અલગ પાંચ પદ્ધતિથી થાય છે. જેમ કે બીજામૃત, જીવામૃત, ઘન જીવામૃત, ધરતી આચ્છાદન અને એક સાથે અનેક પાક (મિશ્ર પાક)ની ખેતી. આ પાંચ આયામો દ્વારા કરવામાં આવતી ખેતીથી ધરતી નવપલ્લવિત અને ફળદ્રુપ બને છે. સરકાર દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ કરવા તરફ સતત પ્રેરિત કરવામાં આવી રહ્યા છે, ત્યારે હવે ખેડૂતો દિવસેને દિવસે રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી કરતા થયા છે.
પ્રાકૃતિક કૃષિથી અવનવા પ્રયાસો કરીને ખેડૂત મબલખ ઉત્પાદન મેળવતો થયો છે. જાણીએ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી કપાસના પાકની વિશેષતા..
કપાસનુ વાવેતર કરવા માટે શક્ય હોય ત્યા સુધી કપાસના વાવેતર પહેલા કઠોળ જેવો વર્ગીય પાક લેવો જોઈએ. તેમજ આગળના પાકની કાપણી પછી તેના સૂકા અવશેષો સાચવીને રાખવા જોઈએ. કપાસના વાવેતરના પહેલા વર્ષે એક એકર દીઠ 800થી 1000 કિલોગ્રામ ઘનજીવામૃત જમીન પર પાથરીને પછી ખેડ કરવી જોઈએ.
કપાસના વાવેતર વખતે પિયતનું વ્યવસ્થાપન કઈ રીતે કરવુ..?: ખેતરમાં દર એકર દીઠ 200 લીટર જીવામૃત પાણી સાથે ભેળવીને પિયત કરવુ, પાક નિયંત્રણ માટે વાવણીના એક મહિના સુધી 15 દિવસે ચાસમાં નિંદામણ કરવુ જોઈએ, 2 વાર નિંદામણ થયા બાદ ખેતરને આચ્છાદનથી ઢાંકી દેવુ. ખાસ કરીને જો પિયતમાં ડ્રીપ ઈરીગેશનનો કરવામાં આવે તો પાણીની પણ બચત થાય છે.
પ્રાકૃતિક કૃષિમાં જીવામૃત એ મહત્વની ભૂમિકા ભજવે છે. કપાસના વાવેતર સમયે પ્રતિ એકર જીવામૃતનો છંટકાવ કેટલા પ્રમાણમાં અને કઈ રીતે કરવો તે જાણીએ તો, વાવણીના એક મહિના પછી કપડાથી ગાળેલું 5 લીટર જીવામૃત, 100 લીટર પાણીમાં ભેળવીને ખેતરમાં છંટકાવ કરવો જોઈએ.
પહેલા છંટકાવના 10 દિવસ પછી, 100 લીટર નિમાસ્ત્ર અથવા ત્રણ લિટર દશપર્ણી અર્કને 100 લીટર પાણીમાં ભેળવીને છંટકાવ કરો. એવી જ રીતે બીજા છંટકાવમાં 2 થી 3 લીટર 3 થી 5 દિવસ જૂની ખાટી છાશને 100 લીટર પાણીમાં ભેળવીને છંટકાવ કરો. તબક્કા વાર 10 દિવસના અંતરે અલગ અલગ જીવામૃતનો છંટકાવ કરવો જેમ કે ત્રીજા છંટકાવમાં કપડાથી ગાળેલું 10 લીટર જીવામૃત, 150 લીટર પાણીમાં ભેળવીને છંટકાવ કરો. ચોથા છંટકાવમાં 5 લીટર બ્રહ્માસ્ત્રને 150 લીટર પાણીમાં ભેળવીને અથવા 5 થી 6 લીટર દસપર્ણી અર્કને 150 લીટર પાણીમાં ભેળવીને છંટકાવ કરો. પાંચમા છંટકાવમાં 3 થી 5 દિવસ જૂની ખાટી 4 થી 5 લીટર છાશને 150 લીટર પાણીમાં ભેળવીને છંટકાવ કરો. છઠ્ઠા છંટકાવમાં કપડાથી ગાળેલ 20 લીટર જીવામૃતને 200 લીટર પાણીમાં ભેળવીને છંટકાવ કરો. સાતમા છંટકાવમાં 6 લીટર અગ્નિઅસ્ત્રને 200 લીટર પાણીમાં ભેળવીને અથવા 6 થી 8 લીટર દસપર્ણી અર્કને 200 લીટર પાણીમાં ભેળવીને છંટકાવ કરો. આઠમા છંટકાવમાં 3 થી 5 દિવસ જૂની ખાટી 6 લીટર છાશને 200 લીટર પાણીમાં ભેળવીને છંટકાવ કરો. જ્યારે જીંડવા અથવા ફળ મૂળ સાઈઝથી 50% ના થઈ જાય ત્યારે 200 લીટર સપ્તધાન્યાંકુર અર્ક અથવા 6 લીટર 3 થી 5 દિવસ જૂની ખાટી છાશને 200 લીટર પાણીમાં ભેળવીને છંટકાવ કરો.
આમ, આ તમામ જીવામૃતનો જો યોગ્ય રીતે તબક્કાવાર છંટકાવ કરવામાં આવે તો કપાસનુ અઢળક ઉત્પાદન પ્રાપ્ત થાય છે. અને પરંપરાગત ખેતી કરતા આ ખેતી પદ્ધતિમાં અનેક ગણો લાભ થાય છે. એટલે જ આપણા મુખ્ય એવા કપાસના પાકના વાવેતર માટે પહેલુ પ્રાધાન્ય પ્રાકૃતક પદ્ધતિને આપીએ અને સફેદ સોના જેવા કપાસના પાકનુ ઉત્પાદન મેળવીએ.