હર ઘર તિરંગા : જાણો રાષ્ટ્રીયધ્વજ ફરકાવવાના કેટલાક નિયમો

હિન્દ ન્યુઝ, બોટાદ

સમગ્ર દેશમાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાનની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી થઈ રહી છે.આ અભિયાન હેઠળ વડાપ્રધાનએ ભારતની આઝાદીની 75મી વર્ષગાંઠની ઉજવણી કરવા માટે લોકોને તેમના ઘરે તિરંગો ફરકાવવાની અપીલ કરી હતી અને લોકો આ અભિયાન પ્રચંડ પ્રતિસાદ આપી રહ્યા છે, ત્યારે આવી સ્થિતિમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવાના નિયમો પણ જાણવા જરૂરી છે.

કોઇપણ સમયે તિરંગો ફરકાવી શકાય

ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયા અનુસાર તિરંગાની ગરિમા અને સન્માનનો અનાદર કર્યા વગર તમામ પ્રસંગોએ તમામ જગ્યાએ તિરંગો ફરકાવી શકાય છે. કોડ કહે છે કે ધ્વજ કોઈપણ કદનો હોઈ શકે છે, પરંતુ તેની લંબાઈ અને ઊંચાઈનો ગુણોત્તર લંબચોરસ આકારમાં 3:2 હોવો જોઈએ. ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયા અનુસાર સૂર્યાસ્ત સુધી જ રાષ્ટ્રધ્વજ ફરકાવવો જોઇએ, પરંતુ આ નિયમ હવે રદ કરવામાં આવ્યો છે. હવે દેશના કોઈપણ વ્યક્તિના ઘરે દિવસના 24 કલાકમાં કોઈપણ સમયે તિરંગો પ્રદર્શિત કરી શકાશે.

નવા નિયમમાં કહેવામાં આવ્યું છે કે દિવસ-રાત તિરંગો ફરકાવી શકાશે. જો કે રાષ્ટ્રધ્વજ ફરકાવનાર વ્યક્તિ માટે એ સુનિશ્ચિત કરવું જરૂરી છે કે ધ્વજ ઊંધો ન ફરકાવવામાં આવે એટલે કે ધ્વજનો ભગવો ભાગ ઉપર રહે. ઉપરાંત, તમે જે ધ્વજ ફરકાવી રહ્યા છો તે ક્ષતિગ્રસ્ત તિરંગો પ્રદર્શિત ન થવો જોઈએ કે ન તો તે જમીન અથવા પાણીને સ્પર્શે. રાષ્ટ્રધ્વજને કોઈ પણ પ્રકારે નુકસાન ન થવું જોઈએ.

તમામ પ્રસંગોએ ફરકાવી શકાય છે તિરંગો

નાગરિક, ખાનગી સંસ્થા કે શૈક્ષણિક સંસ્થા તમામ દિવસો અને પ્રસંગોએ રાષ્ટ્રધ્વજ ફરકાવી શકે છે. ધ્વજ પ્રદર્શનના સમય પર કોઈ પ્રતિબંધ નથી. સરકારે ભારતના ફ્લેગ કોડમાં સુધારો કરીને ખુલ્લામાં અને દિવસ-રાત અલગ અલગ મકાનો કે ઈમારતોમાં તિરંગો પ્રદર્શિત કરી શકાય છે.

ફ્લેગ કોડમાં સુધારો કરવામાં આવ્યો

23 જાન્યુઆરી 2004ના રોજ ભારતની સર્વોચ્ચ અદાલતે એક ઐતિહાસિક ચુકાદામાં જાહેર કર્યું હતું કે, ભારતના બંધારણના અનુચ્છેદ 19(1)(એ)ના અર્થમાં ગરિમા અને સન્માન સાથે સ્વતંત્રપણે રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો મૂળભૂત અધિકાર છે. ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયામાં સૌથી પહેલા ગયા વર્ષે ડિસેમ્બરમાં સુધારો કરવામાં આવ્યો હતો. કપાસ, ઊન, રેશમ અને ખાદી ઉપરાંત પોલિએસ્ટરના ઉપયોગથી હાથથી કાંતેલા, વણાયેલા અને મશીનથી બનાવેલા ધ્વજ બનાવવાની છૂટ આપવામાં આવી હતી.

Related posts

Leave a Comment