હિન્દ ન્યુઝ, લાલપુર
ચાલુ માસ સપ્ટેમ્બરમાં પોષણ માસ- 2024 અંતર્ગત આઈ.સી.ડી.એસ. ઘટક લાલપુર ખાતે બાળ વિકાસ યોજના અધિકારી જ્યોત્સનાબા જાડેજાના માર્ગદર્શન હેઠળ આંગણવાડીના બાળકો અને વાલીઓ માટે ભાવિ માતા પિતા સન્માન સમારોહ યોજાયો હતો.
કાર્યક્રમમાં બાળકના સારા ઉછેર માટે માતા- પિતાની ભૂમિકા કેવી હોવી જોઈએ, સ્તનપાન અને ઉપરી આહારનું મહત્વ, બાળકના પ્રથમ એક હજાર દિવસની કાળજી વિશે સી.ડી.પી.ઓ. લાલપુર દ્વારા સરળ ભાષામાં માહિતી આપવામાં આવી હતી.
તેમજ લાલપુર તાલુકા આરોગ્ય અધિકારી ડૉ.પી.ડી.પરમાર અને ડો.ભાવેશભાઈ બેરાએ સગર્ભાવસ્થાની જાણ થતાં ઝડપથી નજીકના આરોગ્ય કેન્દ્રમાં રજીસ્ટ્રેશન માટેની પદ્ધતિ, આયુર્વેદ ઉપચાર પદ્ધતિના લાભ, સરળ જીવન પધ્ધતિ, સગર્ભાવસ્થા દરમ્યાન યોગ્ય આહાર વિહાર અને બાળકોની સારી ટેવો માટે માતા-પિતાએ લેવાની થતી કાળજી વિશે જણાવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટય દ્વારા કરવામાં આવી હતી અને આંગણવાડીના ભૂલકાઓ દ્વારા સ્વાગતગીત રજુ કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત સર્વે માટે કવીઝ કોમ્પીટીશન અને એક મિનિટની ગેમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રોત્સાહન સ્વરૂપે ઇનામ આપવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં 70 લાભાર્થીઓ સંંમિલિત બન્યા હત. તેમ આઈ.સી.ડી.એસ. ઘટક- લાલપુર દ્વારા જણાવવામાં આવ્યું છે.