હિન્દ ન્યુઝ, ધરમપુર
પુસ્તકિયા જ્ઞાન સાથે અનુભવજ્ઞાન પણ અત્યંત જરૂરી છે
“શિક્ષણના પાયાના સિદ્ધાંતો સમજીને તેનો અમલ કરીએ”
આપણે જાણીએ છીએ કે, ભારતના આવતીકાલના નાગરિકોને તૈયાર કરવાની બાબતમાં શિક્ષણના ક્ષેત્રમાં આજે ભારે અંધાધૂંધી ચાલે છે. આ અરાજકતામાંથી દેશને બહાર લાવવા શાળાનાં સંચાલકો,શિક્ષકો અને વાલીઓએ કેળવણીના મૂળભૂત સિદ્ધાંતો સમજીને તેનો અમલ કરવો જોઈએ.
દરેક બાળકનું વ્યક્તિત્વ નિરાળું હોય છે અને દરેક બાળકને અલગ અલગ વિષય ભણવામાં રસ અને રુચિ હોય છે. બધાં બાળકો બધા વિષયો ભણી શકે છે અને બધાં બાળકોને બધા વિષયો ભણાવવા જ જોઈએ તેવી પદ્ધતિ શિક્ષણના મૂળભૂત સિદ્ધાંતોથી વિરુદ્ધ છે. આ કારણે દરેક વિદ્યાર્થીને તેને મનગમતો વિષય ભણવાનું અને અણગમતો વિષય ન ભણવાનું સ્વાતંત્ર્ય મળવું જોઈએ.
પરીક્ષાના ડરથી વિદ્યાર્થી જે કંઈ શિક્ષણ પ્રાપ્ત કરે છે તે શિક્ષણ ક્યારેય વિદ્યાર્થીને જીવનમાં ઉપયોગી બનતું નથી. સ્કૂલમાં લેવાતી પરીક્ષાનો ઉદ્દેશ વિદ્યાર્થીને પાસ કે નાપાસ જાહેર કરવાનો ન હોવો જોઈએ, પણ તેની કેળવણીમાં રહી ગયેલી કચાશ શોધી કાઢીને તેને દૂર કરવાનો હોવો જોઈએ.
જેટલું પાઠ્યપુસ્તકમાં આપવામાં આવ્યું છે તે બધું જ બધા જ વિદ્યાર્થીઓને ભણાવવા જેવું છે અને પાઠ્યપુસ્તક બહારનું કંઈ જ ભણવા જેવું નથી એવી ગેરસમજમાંથી બહાર આવી જવું જોઈએ. પાઠ્યપુસ્તકમાં મોટાભાગની વાસી માહિતીઓ પીરસવામાં આવતી હોય છે. જે વિદ્યાર્થી માટે ભાગ્ય જ કામની હોય છે તેની સરખામણીમાં દુનિયામાં રોજે-રોજ જે ઘટના બનતી હોય છે એની જાણકારી રાખવી વધુ જરૂરી છે.
જે શિક્ષણ વિદ્યાર્થીમાં શ્રમનું ગૌરવ પેદા ન કરી શકે, જે વિદ્યાર્થીમાં પોતાના પગ ઉપર ઉભા રહેવા માટેનો આત્મવિશ્વાસ પેદા ન કરી શકે તે શિક્ષણ વાંઝિયુ છે.
પાઠ્યપુસ્તકોમાં સંઘરવામાં આવેલા કોરા જ્ઞાનની દુનિયાના વ્યવહારોમાં કોઈ જ કિંમત નથી.આ શિક્ષણ જ્યારે વિદ્યાર્થીના અનુભવમાં ઉતરે ત્યારે જ તે ચિરસ્થાયી અને ઉપયોગી બને છે. માટે વિદ્યાર્થી જીવંત અનુભવો દ્વારા જ તેના મનગમતા વિષયોનું જ્ઞાન પ્રાપ્ત કરી શકે તેવી પદ્ધતિ હોવી જોઈએ.
વિદ્યાર્થી ફુરસદની પળોમાં પોતાની સ્વરુચિથી અવલોકન દ્વારા જેટલું ભણે છે તેટલું પરીક્ષાના ટેન્શન વચ્ચે શિક્ષણના દબાણ વડે ક્યારેય ભણી શકતું નથી. જે શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓમાં કંઈક નવું જ્ઞાન મેળવવાનો આનંદ પ્રગટ થાય તે કેળવણી જ ખરી કેળવણી કહેવાય.
કેળવણીનું મૂળ ઉદ્દેશ્ય સદાચારી અને સંસ્કારી બનવાનો અને ક્રોધ, મોહ, માયા, લોભ, રાગ, દ્રેષ વગેરે આંતરિક શત્રુઓથી મુક્ત થવાનો જ હોવો જોઈએ. તેને બદલે કેળવણીનો ઉદ્દેશ જ્યારે ડિગ્રી, નોકરી, કારકિર્દી, પ્રતિષ્ઠા વગેરેની સ્થાપના કરવામાં આવે છે ત્યારે શિક્ષણસંસ્થાઓ સડી જાય છે.
કેટલાંક મા-બાપો અને શિક્ષકો માને છે કે બાળક એક સપાટ પથ્થર છે,જેને શિલ્પીની જેમ ટાંકણા મારીને તેમાંથી મનપસંદ મૂર્તિનું નિર્માણ કરી શકાય છે.
ગુજરાતમાં અધતન ભૌતિક સુવિધાઓ, સગવડો અનેકવિધ પ્રવૃત્તિઓથી વાલી સમાજને આંજી દેતી અસંખ્ય નોન ગ્રાન્ટેડ (સેલ્ફ ફાઇનાન્સ) શાળાઓ હોવા છતાં, એવી શાળાઓમાં બંને મીડિયમ હોવા છતાં બાળકોનું સાચું ને સારું ઘડતર થતું નથી, બાળકનો સર્વાંગી વિકાસ કરી તેની રસરૂચિની પ્રવૃત્તિઓમાં તેનું પરફોર્મન્સ ઉજાગર કરે તે સારી સ્કૂલ ગણી શકાય.
રિપોર્ટર : મહેશ ટંડેલ, ધરમપુર