હિન્દ ન્યુઝ, જામનગર
જામનગરમાં પડેલ અનરાધાર વરસાદના કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા અને જેના કારણે લોકોની ઘર વપરાશની જરૂરી વસ્તુઓ પાણીમાં વહી જતા ભોજન સહિતની પ્રાથમિક સુવિધા માટે લોકોએ ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો.ત્યારે જિલ્લા વહીવટી તંત્ર સાથે જામનગર વન વિભાગ પણ લોકોની વહારે આવ્યું અને અસરગ્રસ્ત વિસ્તારોમાં ફૂડ પેકેટ તેમજ જરૂરી કીટનું વિતરણ કરવાની સાથે વન વિભાગ દ્વારા જામનગરના વિવિધ વિસ્તારોમાં પાણી ઉતરી ગયા બાદ લોકોને મેડિકલ સુવિધાની જરૂરિયાત જણાતા તાત્કાલિક મેડિકલ ટીમની વ્યવસ્થા કરી લોકોને સ્થળ પર જ મેડિકલ ટ્રીટમેન્ટ આપવામાં આવી. ધોરાજીના ડો.બશીર ગરાણા વન વિભાગની ટીમ સાથે અસરગ્રસ્ત વિસ્તારમાં લોકોને સારવાર આપવા ઉપસ્થિત રહ્યા અને વધારે પડતા પાણીના લીધે લોકોમાં ઉભી થયેલી તાવ, શરદી, ઉધરસ તેમજ ચામડીને લગતા રોગોની સ્થળ પર જ સારવાર આપી જરૂરી નિદાન કર્યું.
વન વિભાગે જરૂરિયાત વાળા વિસ્તારોમાં 800 થી વધારે લોકોને મેડિકલ જરૂરિયાત તેમજ ભોજન પૂરું પાડેલ તો સાથે સાથે પશુ પક્ષીઓના જીવ ન જોખમાય તેની પણ કાળજી લીધી.વિવિધ વિસ્તારોમાં ખૂબ જ પાણી ભરાઈ જવાના કારણે પાણીની સાથે લોકોના ઘરોની અંદર સાપ સહિતના જીવજંતુઓ પણ આવી ચડ્યા જેનું તાત્કાલિક ધોરણે વન વિભાગે રેસક્યુ કરી તેઓને સલામત સ્થળે મુક્ત કરવામાં આવ્યા.
વન વિભાગની રેસક્યુ ટીમ દ્વારા વરસાદ દરમિયાન કુલ 177 જેટલા જીવોનું રેસક્યુ કરાયુ જેમા 72 સાપ, 1 નિલગાય, 2 મોર, 66 કબૂતર, 9 બગલા તેમજ અન્ય 27 જેટલા પક્ષીઓના રેસક્યુ કરી તેઓને ઠેબા ખાતે આવેલ વન વિભાગ જામનગરના અર્બન વાઈલ્ડ લાઈફ ઈન્ફઁમરી એન્ડ પ્રાઈમરી ટ્રીટમેન્ટ સેલ પર સારવાર કરી ફરી તેના કુદરતી નિવાસસ્થાનમા મુકત કરવામાં આવેલ.
Advt.