જામનગરમાં પશુપાલન વિભાગ દ્વારા 40,000 પશુઓનું રસીકરણ કરવામાં આવશે

હિન્દ ન્યુઝ, જામનગર

    જામનગરમાં તાજેતરમાં ભારે વરસાદ થવાથી તેમજ અનેક જગ્યાઓ પર પાણી ભરાવાના કારણે પશુઓના આરોગ્ય ઉપર વિપરિત અસર પડી છે. પશુઓની કાળજી લેવાય તે હેતુથી જામનગર જિલ્લા પંચાયતની પશુપાલન શાખાની 12 ટીમે ફિલ્ડમાં જઈને પશુઓનું રસીકરણ હાથ ધર્યું છે. પશુપાલન શાખાના કર્મચારીઓ દ્વારા સાવ છેવાડાના વિસ્તારોમાં જઈને પાણીના પુરમાં ધસમસતા પ્રવાહની વચ્ચે બીમાર પશુઓનું સુરક્ષિત સ્થળ પર રેસક્યુ કરવામાં આવ્યું હતું. સાથે- સાથે પશુપાલકોને કૃમિનાશક દવાનું વિતરણ હાલમાં કરવામાં આવી રહ્યું છે. 

જિલ્લા પંચાયતની પશુપાલન શાખાના નાયબ પશુપાલન નિયામક ડો.તેજસ શુક્લની આગેવાનીમાં પશુ ડૉક્ટર્સની ટીમો દ્વારા રસીકરણ, પશુ સારવાર તેમજ પશુ મૃત્યુ સર્વેક્ષણની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. તાલુકા લાયઝન અધિકારીઓની દેખરેખમાં પશુ ચિકિત્સા અધિકારીઓ, પશુ નિરીક્ષકો તેમજ અન્ય સ્ટાફ સહિતની ટીમ દ્વારા પશુઓમાં રોગચાળો ન ફેલાય તે માટે તાલુકાના ગામોમાં પશુપાલકોની રૂબરૂ મુલાકાત લઈને સારવાર, રસીકરણ તેમજ તેમને જરૂરી માર્ગદર્શન આપવાની કામગીરી કરાઈ રહી છે.

પશુપાલન વિભાગ ઘનિષ્ઠ કામગીરી હાથ ધરીને જામનગર જિલ્લામાં અત્યાર સુધીમાં 1,200 પશુઓની સારવાર કરવામાં આવી છે. ભારે વરસાદની પરિસ્થિતિમાં જિલ્લામાં ગાય તેમજ ભેંસ વર્ગના કુલ 35 પશુઓ, 715 ઘેટાં તેમજ 733 બકરાનું મરણ નોંધાયેલ છે. કુલ 1483 પશુઓનું મરણ નોંધાયેલ છે. તેમજ અસરગ્રસ્ત ગામોમાં 1962 કરુણા એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે આગામી 5 દિવસ સુધી ઈમરજન્સી સેવાઓ પૂરી પાડવામાં આવશે. આગામી 5 દિવસમાં અંદાજિત 40,000 પશુઓનું રસીકરણ પૂર્ણ કરવામાં આવશે. 

જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજના માર્ગદર્શન હેઠળ વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી મરણ પામેલ પશુઓને પશુ ચિકિત્સા અધિકારીઓની હાજરીમાં મૃતદેહોનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવ્યો છે. રોગચાળો ફેલાવાની શક્યતા ના રહે તે માટે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ દ્વારા Scientific Carcass Disposal ની કામગીરી કરવામાં આવી છે. તેમ નાયબ પશુપાલન નિયામક ડો.તેજસ શુક્લ, જામનગર દ્વારા જણાવાયું છે.

Related posts

Leave a Comment