હિન્દ ન્યુઝ, દીવ
ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્રારા “નશા મુક્ત ભારત અભિયાન”ની શરૂઆત કરવામાં આવેલ છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને વિવિધ પ્રકારના નશાથી મુક્ત કરવાનો અને લોકોમાં વિવિધ પ્રકારના નશા વિશે જાગૃતતા ફેલાવવાનો છે. સાથે-સાથે નશાકારક પદાર્થના દુરુપયોગથી માનવ શરીરના મહત્વના અંગો પર થતા નુકશાન વિશે લોકોને અવગત કરવાનો છે. નશા મુક્ત ભારત અભિયાન હેઠળ દીવ જિલ્લાની પણ પસંદગી કરવામાં આવેલ છે અને આ અભિયાન હાલ દીવ જિલ્લામાં પણ ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાનને સફળ બનાવવા માટે સમાજના દરેક લોકોની ભૂમિકા મુખ્ય અને મહત્વપૂર્ણ બની રહેશે.
ઉપરોક્ત અનુસંધાનમાં આજ રોજ સમાહર્તાલયના સભાગારમાં ઉપરોક્ત મંત્રાલયના કન્સલ્ટન્ટ શ્રી અભિનવ ઘોલાપ, સિનીયર સ્ટેટ કૉ-ઓર્ડીનેટર, સમાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય અને સુશ્રી અન્વેશા તિવારી, સ્ટેટ કૉ-ઓર્ડીનેટર, સમાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય સાથે જિલ્લા બાળ સુરક્ષા એકમ, દીવ દ્રારા “નશા મુક્ત ભારત અભિયાન” હેઠળ મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટીંગમાં જિલ્લા બાળ સુરક્ષા એકમ, દીવ દ્રારા નશા મુક્ત ભારત અભિયાન હેઠળ કરવામાં આવતા વિવિધ જાગૃતતા કાર્યક્રમો, તાલીમ સત્રો, વિવિધ સ્પર્ધાઓ, નુક્કડ નાટક વગેરે દ્રારા કરવામાં આવતી વિવિધ પ્રવૃતિઓ વિશે પાવર પોઈન્ટ પ્રેઝેન્ટેશનનાં માધ્યમથી માહિતી પૂરી પાડવામાં આવેલ. વધૂમાં ઉપરોક્ત મંત્રાલયના કન્સલ્ટન્ટસ દ્રારા તેમના સૂચનો અને મંતવ્યો પણ જણાવવામાં આવ્યા હતા.
રિપોર્ટર : વિજયલક્ષ્મી પંડયા, દીવ