મેઘાણી વંદના – લોકસાહિત્યના સંપાદક અને સંશોધક શ્રી ઝવેરચંદ મેઘાણી 

હિન્દ ન્યુઝ, ધરમપુર

       ગાંધીયુગના ગુજરાતી સાહિત્યના કવિ/ સર્જકોમાં એક માત્ર ઝવેરચંદ મેઘાણી જ એવા કવિ થઈ ગયા કે જેમણે “જનતાના કવિ” તરીકે જબરદસ્ત ચાહના મેળવી છે. 

      લોકસાહિત્યમાં લોકગીતો, રાષ્ટ્રપ્રેમનાં શોર્યગીતો તેમણે બુલંદ અવાજે ગાઈને ઘણી લોકચાહના પ્રાપ્ત કરી છે. તેઓએ કાવ્ય, નાટિકા, નવલકથા, નવલિકા, વિવેચન, નિબંધ,જીવનચરિત્ર, પ્રવાસવર્ણન, કટાક્ષ, ભાષાંતર અને લોકસાહિત્યનું સંપાદન અને સંશોધન એમ વિવિધ ક્ષેત્રે સર્જન કર્યું છે. 

      લોકસાહિત્યનું સંપાદન અને સંશોધન એ ઝવેરચંદ મેઘાણીએ ગુજરાતી સાહિત્યને કરેલી ચિરંજીવ સેવા છે. લોકસાહિત્યની શોધમાં તેઓ કાઠિયાવાડના ગામડે ગામડે રઝળયા છે. બારોટો, ભરવાડો, ધરડી દાદીમાઓને સાંભળીને તેમની પાસેથી લોકકથાઓ અને લોકગીતોનો ખજાનો કબજે કર્યો છે.તેમાં બાળગીતો છે, ઋતુગીતો છે, વ્રતગીતો અને લગ્નગીતો છે. મરશિયા, ભજનો, કથાકાવ્યો અને દુહાઓ પણ છે. પ્રેમ અને શૌર્યની લોકકથાઓ, બહારવટિયાની કથાઓ અથાગ પરિશ્રમ અને અખૂટ ધીરજથી એકઠી કરી બીજી ભાષાઓના લોકસાહિત્યની સાથે સરખામણી કરી લોકસાહિત્યનાં સર્વસામાન્ય લક્ષણો તારવી આપવાનું ભગીરથ કાર્ય તેમણે કર્યું છે. 

      સૌરાષ્ટ્રના ભૂતકાળને જીવતો કરવાનું શ્રેય ઝવેરચંદ મેઘાણીના ફાળે જાય છે. ગુજરાત સાહિત્યસભાએ તેમના આ કાર્યની કદરરૂપે ઇ.સ.1928નો ‘રણજિતરામ સુવર્ણચંદ્રક’ તેમને એનાયત કર્યો હતો. કવિનું ‘છેલ્લો કટોરો’ કાવ્ય કવિમુખે સાંભળીને ગાંધીજીએ તેમને ‘રાષ્ટ્રીય શાયર’ નું બિરુદ આપ્યું હતું. તેમના ‘સિંધુડો’ કાવ્યે સ્વતંત્ર્યની લડતમાં એક નવો પ્રાણ પૂર્યો હતો. પરદેશી સરકારે એ પુસ્તક જપ્ત કર્યું હતું. 

      ઝવેરચંદ મેઘાણીએ મેળવેલી જનચાહના અજબ હતી. એ જમાનાના લોકોનાં હૃદય ઉપર તેમણે અનેરું પ્રભુત્વ મેળવી લીધું હતું. તેમણે કરેલી લોકસાહિત્યની સેવાએ તેમને ઊંચી પ્રતિષ્ઠા અપાવી છે.ઝવેરચંદ મેઘાણીએ કશુંય ન લખ્યું હોત પણ માત્ર લોકસાહિત્યની જ સેવા અને સાધના કરી હોત તોપણ તે દીર્ઘકાલીન કીર્તિને પ્રાપ્ત કરવા યોગ્ય હતા. 

    ઝવેરચંદ મેઘાણીના લોકસાહિત્યમાં ‘ડોશીમાની વાર્તા’, ‘સૌરાષ્ટ્રની રસધાર’ (ભાગ ૧ થી ૫) ‘કંકાવટી’, ‘દાદાજીની વાતો’, ‘સોરઠી બહારવટિયા’ (ભાગ -1, 2, 3), ‘સોરઠી સંતો,’ ‘સોરઠી ગીતકથાઓ’, ‘પુરાતન જ્યોત’, ‘રંગ છે બારોટ’ જેવાં સર્જનો ખાસ નોંધપાત્ર છે. આ સર્જનોએ અપૂર્વ ખ્યાતિ તથા લોકપ્રિયતા હાંસલ કરી છે એ નિ:સંદેહ હકીકત છે. આ માટે મેઘાણીએ ભારે પરિશ્રમ ઉઠાવ્યો હતો. 

     પોતે અચ્છા ગાયક, કવિ અને લોકચાહક હોવાથી મેઘાણીનું લોકગીત ક્ષેત્રનું પ્રદાન પણ એટલું જ મૂલ્યવાન ગણાયું છે. વિવેચકો અને વિદ્વાનોએ તેમના આ લોકગીતક્ષેત્રના પ્રદાનને કાયમી- ચિરંજીવ પ્રદાન તરીકે જણાવ્યું છે. તેમાં ‘ચૂંદડી’ (ભાગ-૧,૨) ‘રઢીયાળી રાત’ (ભાગ-૧ થી ૪),’સોરઠી સંતવાણી’ ઈત્યાદિ એમના સુખ્યાત, ઉત્તમ લોકગીત સંચયો, સંપાદનો તથા સ્વતંત્ર સર્જનો છે‌. આપણાં લોકગીતોને મેઘાણીએ પોતાની સર્જક -પ્રતિભાથી નવજીવન, પુનર્જીવન બક્ષ્યું છે તેમ કહેવામાં કશી અતિશોયક્તિ નથી. ખરું પૂછે તો મેઘાણી અમુક અંશે ‘લોકગીતના પર્યાય’ બની ગયા છે. 

     ગુજરાતી ભાષાના લોકસાહિત્યના અનેકવિધ સંશોધનોને માટે એમણે દસકાઓ સુધી ભગીરથ પુરુષાર્થ કર્યા છે. આ લાંબા સમયની તેમની અનન્ય સાહિત્ય- સાધનાને પરિણામે તેમને અનેક માણસોના વ્યક્તિગત પરિચયમાં આવવાનું બન્યું હતું. સેંકડો સ્થળો તેમણે નજરોનજર જોયાં હતાં.ત્યાં તેઓ રહ્યા હતા. રહીને અનેક દ્રષ્ટિકોણથી તેમણે વિવિધ અવલોકનો પણ કર્યા હતા.આવા અનેકવિધ લાંબા ટૂંકા પ્રવાસોને પરિણામે તેમની અનુભવસમૃદ્ધ દૃષ્ટિએ ‘સૌરાષ્ટ્રના ખંડેરોમાં’ તથા ‘સોરઠને તીરે તીરે’ જેવા બે સમૃદ્ધ પ્રવાસગ્રંથોની મૂલ્યવત્તા પણ સ્વીકારાઈ છે.

રિપોર્ટર : મહેશ ટંડેલ, ધરમપુર

Related posts

Leave a Comment