હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
ભારે વરસાદની પરિસ્થિતિને પગલે જિલ્લાના પ્રભારી સચિવ શ્રી જેનુ દેવનની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી, ઈણાજ ખાતે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં પ્રભારી સચિવએ જિલ્લામાં ભારે વરસાદના કારણે ઉભી થયેલી પરિસ્થિતિ વિશે સમીક્ષા કરી વિવિધ વિભાગના શીર્ષ અધિકારીઓને યોગ્ય જરૂરી માર્ગદર્શન આપી સંભવિત જોખમ સામે આગોતરા આયોજન થકી એલર્ટ રહેવા જરૂરી સૂચનો કર્યા હતાં.
પ્રભારી સચિવએ વિવિધ શેલ્ટર હોમમાં વીજળી, પાણી તથા સ્વચ્છતા સહિતની પ્રાથમિક સુવિધાઓ સુનિશ્ચિત કરવા ઉપરાંત દરિયામાં માછીમારોને અવર જવર ના કરવા નાગરિકો અને પશુઓની સલામતી સુનિશ્ચિત કરવા ઉપરાંત રાહત બચાવ, સ્થળાંતર અને તાત્કાલિક સહાય પહોંચાડવા જેવી અનેક બાબતો અંગે સંબંધિત અધિકારીઓને માર્ગદર્શિત કર્યા હતાં.
કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ભારે વરસાદની સ્થિતિને અનુલક્ષીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઝીરો કેઝ્યુઆલિટીના અભિગમ સાથે તકેદારીઓ લેવામાં આવી રહી છે. લોકોને નદી કાંઠા તથા નીચાણવાળા વિસ્તારોમાં અવર જવર ન કરવા સૂચનાઓ આપી એલર્ટ કરવામાં આવ્યાં છે. ભારે વરસાદની સ્થિતિમાં નાગરિકોને સલામત સ્થળે ખસેડી શકાય તે અંગે વહીવટી તંત્ર સજ્જ છે.
રાજ્યમાં તથા ગીર સોમનાથમાં ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઇ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલ વીડિયો કોન્ફરન્સમાં જિલ્લા પ્રભારી સચિવ જેનુ દેવન, જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા, જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા સહિતના શીર્ષ અધિકારીઓ કલેકટર કચેરી ઈણાજ ખાતેથી જોડાયાં હતાં અને મુખ્યમંત્રીનું જરૂરી માર્ગદર્શન મેળવ્યું હતું.
આ સમીક્ષા બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.