હિન્દ ન્યુઝ, આણંદ
ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના દિશાનિર્દેશ અન્વયે આણંદ જિલ્લામાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જિલ્લા પંચાયત દ્વારા તા. ૨૨ ઓગષ્ટના રોજ નેશનલ ડી વોર્મીંગ ડે (રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ) ઉજવાશે તથા તા.૨૯ ઓગષ્ટના રોજ મોપ- અપ રાઉન્ડનું આયોજન કરીને ૬ લાખથી વધુ બાળકોને કૃમિનાશક ગોળી આપવામાં આવશે.
આંણદ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા સમગ્ર જિલ્લાના અંદાજીત ૬ લાખથી વધારે બાળકોને કૃમિનિયંત્રણની ગોળી ખવડાવાનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં આંગણવાડી,. પ્રા.શાળા, મા.શાળા તેમજ કોલેજમાં નોંધાયેલા અને ન નોંધાયેલા તમામ બાળકોને કૃમિનાશક ગોળી આશાબેહેનો, આંગણવાડી વર્કર, ફિમેલ હેલ્થ વર્કર દ્વારા ખવડાવવામાં આવશે.
આ કામગીરીમાં આરોગ્યશાખા, આઈ.સી.ડી.એસ.શાખા, શિક્ષણશાખાના સંકલનથી તમામ આંગણવાડી વર્કર, આશાબેહેનો, ફિમેલ હેલ્થ વર્કર, એમ.પી.એચ.ડબલ્યુ તેમજ CHO અને RBSK ડૉકટર, મેડિકલ ઓફિસરના સહયોગ દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ ને સફળ બનાવવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, બાળકને જો કૃમિનો ચેપ લાગે તો શરીરમાં આર્યનની ઉણપ (પાંડુરોગ) થાય છે જો બાળકને કૃમિનાશક દવા આપવામાં આવે તો બાળકોમાં પાંડુરોગનું પ્રમાણ ઘટાડી શકાય અને બાળકની જીવનધોરણની ગુણવતામાં વધારો થઇ શકે છે. આ બાબત ને ધ્યાનમાં લઇ રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે વર્ષમાં બે વાર બાળકોને કૃમિનાશક દવા આપવામા આવે છે. આ માટે દર વર્ષે નેશનલ ડી વોર્મીંગ ડે દ્વારા ૧ થી ૧૯ વર્ષના તમામ બાળકોને કૃમિનાશક ગોળી આપવામાં આવે છે. સરકાર દ્વારા દર વર્ષે ફેબ્રુઆરી અને ઓગષ્ટ માસમાં બાળકોને કૃમિના રોગથી બચાવવા માટે કૃમિનાશક ગોળી ખવડાવવાનું આયોજન કરવામાં આવે છે.