આણંદ તુલસી ગરનાળાથી વ્યાયામ શાળા થઈ મોગરી તરફ જતા કાંસની મશીનરી દ્વારા કરાઈ સફાઈ

હિન્દ ન્યુઝ, આણંદ

  આણંદ સિંચાઈ વિભાગ હસ્તક ના કાંસ પેટા વિભાગ આણંદ હેઠળ આણંદ, ઉમરેઠ, પેટલાદ, બોરસદ, આંકલાવ તાલુકાઓમાંથી પસાર થતા ૫૫૦ કિલોમીટર નોટિફાઇડ કાંસના નેટવર્કની જાળવણી અને મરામતની કામગીરી કરવામાં આવે છે.

        આણંદ તુલસી ગરનાળાથી વ્યાયામ શાળા થઈ મોગરી તરફ જતો આણંદ મોગરી કાંસ મહદ અંશે આણંદ શહેરમાંથી પસાર થાય છે, જેમાં તુલસી ગરનાળાથી વ્યાયામ શાળા સુધી શહેરી વિસ્તારના કારણે બોક્સ ડ્રેઇન કરવામાં આવેલ છે, જ્યારે વ્યાયામ શાળાથી મોગરી તરફનો કાંસ ખુલ્લો કાંસ છે.

        આણંદ શહેરી વિસ્તારના કારણે આ કાંસ ની આજુબાજુ સ્થાનિકો દ્વારા દબાણ કરવામાં આવેલું હોય છે અને આ કાંસ માં બારેમાસ ગંદુ પાણી વહેતું હોય છે જેને કારણે જંગલી વનસ્પતિ ઉગી નીકળે છે.

        આમ છતાં આ કાંસની સાફ-સફાઈ ની કામગીરી સુજલામ સુફલામ જળ સિંચાઈ યોજના હેઠળ કરાવવામાં આવી છે, આ કાંસ ની સાફ-સફાઈ ની કામગીરી જ્યાં સુધી મશીનરી પહોંચે છે, ત્યાં સુધી મશીનરી દ્વારા અને જ્યાં મશીનરી પહોંચી શકતી નથી તેવી જગ્યાઓ ખાતે મજૂરો દ્વારા કાંસ ની સાફ-સફાઈની કામગીરી કરાવવામાં આવી હોવાનું કાર્યપાલક ઇજનેર, આણંદ સિંચાઈ વિભાગ દ્વારા જણાવાયું છે.

        વધુમાં જણાવ્યા મુજબ તુલસી ગરનાળા પાસેથી પસાર થતા કાંસમાં સ્થાનિકો દ્વારા કચરો નાખવામાં ન આવે તે માટે પણ અનુરોધ કરવામાં આવ્યો છે.


Advt.

Related posts

Leave a Comment