જામનગર જિલ્લાના જોગવડ ગામે 10 સગર્ભા માતાઓ અને 68 બાળકોનું રસીકરણ કરવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, જામનગર

   જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન તળે છેવાડાના ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા નાગરિકોનું રસીકરણ પૂર્ણ કરાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. લાલપુર તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પડાણાના સબ સેન્ટર જોગવડ ગામમાં જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા 30 ટીમ બનાવીને રૂટીન આરોગ્ય સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

જોગવડ ગામમાં પરપ્રાંતિય મજૂરોની ખૂબ અવર-જવર રહેતી હોય છે અને અમુક લાભાર્થીઓ રસીકરણ વિષે વિવિધ અફવાઓથી ડરીને લાભથી વંચિત રહી ગયા હોવાનું સામે આવ્યું હતું. તાજેતરમાં વિશ્વ આરોગ્ય સંસ્થાના ડો. વિનય કુમાર અને વિજયભાઈ જોશી દ્વારા શંકાસ્પદ ડીપ્થેરિયા કેસ, ઓરી રુબેલા કેસ બાબતે જોગવડ ગામની મુલાકાત લેવામાં આવી હતી. તેઓની ક્ષેત્રીય મુલાકાત દરમિયાન રસીકરણ ના કરાવ્યું હોય તેવા બાળકો આ વિસ્તારમાં રહેતા હોવાનું સામે આવ્યું હતું.

 વિનય કુમાર અને જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા લાલપુર તાલુકા આરોગ્ય અધિકારી ડો.પી.ડી.પરમારને જોગવડ ગામમાં ખાસ સર્વે ટીમો દ્વારા વ્યવસ્થિત રીતે હેલ્થ સર્વેલેન્સ કરાવવાની ખાસ સૂચના અપાઈ હતી. લાલપુર તાલુકાના તાલુકા હેલ્થ ઓફિસર ડો.પી.ડી. પરમાર, સુપરવાઈઝર ટી.એમ.પી.એસ. મકવાણા ભાઈ, ટી.એચ.વી. નઝમાબેન કંઠીયા, મેડિકલ ઓફિસર ડો.આંબલીયા, આયુષ ટીમના ડો.માનસી મેડમ સાથે રૂટીન હેલ્થ સર્વેલેન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ રૂટીન આરોગ્ય સર્વેન્સમાં લાલપુર તાલુકાની કુલ 30 ટીમ બનાવીને જોગવડ ગામના કુલ 30 એરીયા કવર કરવામાં આવ્યા હતા અને આ સર્વેમાં જેટલા રસીકરણથી અરક્ષિત બાળકો તેમજ સગર્ભા માતાઓની યાદી બનાવવામાં આવી હતી. આ સાથે લાભાર્થીઓ માટે આયુષ્યમાન કાર્ડની કામગીરી અને આભા આઈડી કાર્ડ કાઢવાની કામગીરી કરવામાં આવી હતી. 3 દિવસ ચાલેલી આ રસીકરણ ઝુંબેશમાં પરપ્રાંતીય શ્રમિકોને સરળ ભાષામાં કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. તેઓ રસીકરણ માટે સહમત બનતા 10 સગર્ભા માતાઓ અને 68 બાળકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું.

ઉપરાંત મેલેરિયા સર્વેલન્સ, ટીબી સર્વેલન્સ, પાણીજન્ય રોગચાળા ન ફેલાય તેની કામગીરી કરવામાં આવી હતી. આ કામગીરીમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પડાણાનો સમગ્ર સ્ટાફ, લાલપુર તાલુકાના જુદા જુદા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના એમ.પી.એસ., એમ.પી.એચ.ડબ્લ્યુ, સી.એચ.ઓ.એ ફરજ બજાવી હતી. સમગ્ર આયોજન બદલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પડાણાના સુપરવાઇઝર એમ.પી.એસ. ગોસાઈભાઈ, એફ.એચ.એસ. જલ્પાબેન ચાવડા, એમ.પી.એચ.ડબ્લ્યુ. વિજય ભાટીયાએ જહેમત ઉઠાવી હતી.


Advt.

 

 

 

 

 

Related posts

Leave a Comment