જામનગરમાં તા.23 થી 25 જૂન દરમિયાન પોલિયો નાબુદી ઝુંબેશનું આયોજન કરાશે

હિન્દ ન્યુઝ, જામનગર

     જામનગર જિલ્લામાં આગામી તારીખ 23 થી 25 જૂન દરમિયાન પોલિયો નાબુદી ઝુંબેશ યોજવામાં આવશે. જેમાંં 0 થી 5 વર્ષના તમામ બાળકોને પોલિયોના બે ટીપા પીવડાવવામાં આવશે. તારીખ 23 જૂનના રોજ ‘નેશનલ ઈમ્યુનાઈઝેશન ડે’ ની ઉજવણીના ભાગરૂપે જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજના માર્ગદર્શન હેઠળ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.નૂપુર પ્રસાદની આગેવાની હેઠળ જિલ્લાના તમામ ગામોમાં આ ઝુંબેશ હાથ ધરવામાં આવશે.

આ ઝુંબેશ દરમિયાન જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના 0 થી 5 વર્ષના 94501 જેટલા બાળકોને જિલ્લાના આરોગ્ય કર્મચારીઓ દ્વારા પોલિયોના ટીપા પીવડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ દિવસે 617 બુથ ઉપર બાળકોને પોલિયોના ટીપા પીવડાવવામાં આવશે. જયારે બીજા અને ત્રીજા દિવસે આરોગ્ય શાખાના કર્મચારીઓની 899 ટીમ દ્વારા બાકી રહેલા બાળકોને ઘરે- ઘરે જઈને તેમને પોલીયોના ટીપા પીવડાવવામાં આવશે.

ઉપરાંત જિલ્લામાં 25 ટ્રાન્ઝીટ ટીમ દ્વારા રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન અને જાહેર સ્થળ ઉપર બાળકોને પોલિયોના ટીપા પીવડાવવામાં આવશે. વાડી વિસ્તારમાં રહેતા અને અન્ય રાજ્યોમાંથી આવેલા શ્રમિક પરિવારોના બાળકોને 395 મોબાઈલ ટીમ દ્વારા પોલિયોના ટીપા પીવડાવવામાં આવશે.

જામનગર જિલ્લાના તમામ નાગરિકો તેમની નજીકના પોલિયો બુથ ઉપર જઈને પોતાના બાળકોને પોલિયોના ટીપા પીવડાવવા માટે અને જિલ્લાના તમામ રાજકીય, ધાર્મિક અને સામાજિક આગેવાનોને ઉપરોકત કામગીરીમાં સહયોગ આપવા માટે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.નૂપુર પ્રસાદ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.


advt.

 

 

 

 

Related posts

Leave a Comment