હિન્દ ન્યુઝ, આણંદ
લોકસભા સામાન્ય ચૂંટણી -૨૦૨૪ અંતર્ગત આણંદ જિલ્લામાં ત્રીજા તબક્કામાં મેં મહિનાની તારીખ ૭ ના રોજ મતદાન યોજાનાર છે, જે અંતર્ગત આણંદ જિલ્લાના ૧૭૭૩ મતદાન મથકો માટે રિસીવિંગ અને ડિસ્પેચિંગ સેન્ટરો ખાતેથી ઈ.વી.એમ, વીવીપેટ સહિતની ચૂંટણીલક્ષી સામગ્રીઓ પહોંચાડવામાં આવશે.
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આણંદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે, ત્યારે જિલ્લાના સાત મતદાર વિભાગો માટેના રિસીવિંગ અને ડિસ્પેચિંગ સેન્ટરો પરથી ઈ.વી.એમ, વીવીપેટ સહિતની ચૂંટણીલક્ષી સામગ્રીઓ પહોંચાડવામાં આવશે.
જેમાં ૧૦૮-ખંભાત વિધાનસભા મતદાર વિભાગ માટે એસ. ઝેડ. વાઘેલા હાઈસ્કુલ અને એસ. કે. વાઘેલા હાઈસ્કુલ, ખંભાત, ૧૦૯-બોરસદ મતદાર વિભાગ માટે જે. ડી. પટેલ હાઇસ્કુલ/ જે. ડી. આર. પટેલ ગર્લ સ્કુલ, બોરસદ, ૧૧૦-આંકલાવ મતદાર વિભાગ માટે આંકલાવ હાઇસ્કુલ, આંકલાવ, ૧૧૧-ઉમરેઠ મતદાર વિભાગ માટે ડી. એમ. પટેલ આર્ટસ કોલેજ અને એસ. એસ. પટેલ કોમર્સ કોલેજ, ઓડ, ૧૧૨-આણંદ મતદાર વિભાગ માટે ડી. એન. હાઇસ્કુલ, આણંદ, ૧૧૩-પેટલાદ મતદાર વિભાગ માટે ન્યુ એજ્યુકેશન હાઇસ્કુલ, લક્ષ્મીજી મંદિર પાસે, પેટલાદ અને ૧૧૪-સોજીત્રા મતદાર વિભાગ માટે એમ. એમ. હાઇસ્કુલ, સોજીત્રાને રિસીવિંગ અને ડિસ્પેચિંગ સેન્ટર તરીકે નક્કી કરવામાં આવ્યા છે.
આ સેન્ટરો ખાતેથી ઇવીએમ અને વિવિપેટ મશીન જે તે મતદાન મથકો ખાતે રવાના કરવામાં આવશે અને મતદાન પૂર્ણ થયા બાદ પરત આ સેન્ટરો ખાતે સ્વીકારવામાં આવશે.
નોંધનીય છે કે ૧૬- આણંદ લોકસભા સામાન્ય ચૂંટણી માટે તા. ૭ મી મે ના રોજ મતદાન થનાર છે, ત્યારે મતદાન નો સમય સવારે ૭-૦૦ કલાકથી સાંજના ૬-૦૦ કલાક સુધીનો રાખવામાં આવ્યો છે, જે સમય દરમિયાન આણંદ જિલ્લાના તમામ મતદારોને તેમના મતાધિકારનો ઉપયોગ કરવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જાહેર અપીલ કરવામાં આવી છે.