વેરાવળમાં ભૂલા પડેલા વિશાખાપટ્ટનમના વ્યક્તિને માદરે વતન પહોંચવા જરૂરી મદદ કરી

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

    લોકસભાની ચૂંટણી કામગીરી વચ્ચે અતિવ્યસ્ત ગીર સોમનાથના જિલ્લા કલેક્ટરની વહીવટી કુનેહ સાથે તેમના માનવતાવાદી અભિગમના દર્શન તાજેતરમાં એક કિસ્સામાં થયાં છે.

કિસ્સો એવો છે કે, વિશાખાપટ્ટનમના સુબ્રમણ્યમ નામનો વ્યક્તિ વેરાવળ ખાતે કોઈ કામ અર્થે આવ્યો હતો અને તેની બેગ સાથેની તમામ વસ્તુઓ ચોરાઈ ગઈ હતી. સુબ્રમણ્યમને તેલુગુ ભાષા સિવાય અન્ય કોઈ ભાષા આવડતી નહોતી તેથી તે પોતાની જરૂરિયાત વિશેની માહિતીનું આદાનપ્રદાન પણ કરી શક્યો નહોતો.

અજાણ્યો મુલક, અજાણી પરિસ્થિતિ અને અજાણ્યા વાતાવરણમાં ક્યાં જવું તે વિશે તેને કશું સૂઝતું ન હતું. તેવા સમયમાં તેણે ગમે તે રીતે જિલ્લા કલેક્ટર કચેરીનો નંબર મેળવીને મદદ માટે સંપર્ક કર્યો હતો.

આ બાબતની જાણ થતાં કલેક્ટરએ નિવાસી અધિક કલેક્ટરને આ બાબતે જરૂરી મદદ કરવાની સૂચના અધિક નિવાસી કલેકટર આર.જી.આલે આ બાબતે નાયબ મામલતદાર સાગર ફુમકીયાને જાણ કરી ઘટતું કરવા જણાવ્યું હતું. તેથી સાગર ફુમકીયાએ આ વ્યક્તિનો સંપર્ક કર્યો હતો પરંતુ તે તેલુગુ જાણતો હોવાથી જિલ્લામાંથી તેલુગુ જાણનાર વ્યક્તિની મદદથી સુબ્રમણ્યમને શું તકલીફ છે. તેની જાણકારી મેળવી હતી.

સમગ્ર હકીકત જાણીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કલેક્ટરની સૂચના મુજબ વિશાખાપટ્ટનમ જવા માટેની ટિકિટ તથા રસ્તામાં જરૂરિયાત માટેના નાણાંની પણ મદદ કરીને તેને માદરે વતન પહોંચાડવાની માનવીય અભિગમવાળી કામગીરી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી હતી.

આજે જ્યારે કોઈપણ વ્યક્તિ પડોશીની મદદ કરવા પણ તૈયાર હોતું નથી તેવા સમયમાં અજાણ્યા મુલકના વ્યક્તિને પોતાનો સમજી તે હેમખેમ તેના વતન સુધી પહોંચે તેની કાળજી લઈને ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્રએ તેની આગવી સંવેદનાના દર્શન કરાવ્યા છે.

Related posts

Leave a Comment