હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ
જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાએ આજે સવારે વેરાવળ ખાતે આવેલ સિવિલ હોસ્પિટલ હોસ્પિટલની અચાનક મુલાકાત લીધી હતી.
આજે વિશ્વ મેલેરિયા દિવસના ઉપલક્ષમાં યોજાયેલ સાયકલ રેલી અંતર્ગત કલેક્ટર સાયકલ ચલાવતાં-ચલાવતાં સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યાં હતાં. જ્યાં તેમણે આકસ્મિક રીતે સિવિલ હોસ્પિટલમાં જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર સાથે પહોંચીને અચાનક સિવિલ હોસ્પિટલમાં ઉપલબ્ધ સેવાઓની ચકાસણી કરી હતી.
કલેકટરએ સિવિલ હોસ્પિટલના તમામ વોર્ડની મુલાકાત લઇ અને દવાના સ્ટોક રજિસ્ટ્રર, હોસ્પિટલ સ્ટાફ અને હોસ્પિટલમાં આપવામાં આવતી વિવિધ સુવિધાઓ વિશેની જાણકારી મેળવીને હોસ્પિટલમાં સ્વચ્છતા સહિતની વિવિધ બાબતોની સમીક્ષા કરી હોસ્પિટલ તંત્રને જરૂરી સૂચનાઓ આપી હતી.
તેમણે વોર્ડમાં સારવાર લઇ રહેલા દર્દીઓના ક્ષેમકુશળ પૂછીને તંત્ર દ્વારા આપવામાં આવતી સારવારની વિગતો મેળવી હતી. તેમણે દર્દીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલીઓ પડે નહીં અને ત્વરિત સારવાર મળી રહે તેવી વ્યવસ્થાઓ જળવાઈ રહે તે માટે ડોક્ટર્સને જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું.
આ દરમિયાન હોસ્પિટલમાં ધ્યાનમાં આવેલી અનિયમિતતાઓ તરફ કડક વલણ અપનાવી આ પ્રકારની અવ્યવસ્થાઓ ચલાવી લેવામાં આવશે નહીં. તે પ્રકારની કડક તાકીદ કલેક્ટરએ કરી હતી.
આ મુલાકાત દરમ્યાન અધિક નિવાસી કલેક્ટર આર.જી.આલ, પ્રાંત અધિકારી વિનોદ જોષી, જિલ્લા પુરવઠા અધિકારી એન.બી.મોદી, જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. અરુણ રોય, ડેપ્યુટી કલેકટર-૧ ભૂમિકાબેન વાટલીયા, વેરાવળ સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉ. જીગ્નેશ પરમાર, આર.એમ.ઓ. ડૉ. પી.બી.નારિયા સહિતના આરોગ્ય વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.