૧૯૫૧ ની લોકસભાની સામાન્ય ચૂંટણીના લેખા જોખા

હિન્દ ન્યુઝ, આણંદ

આઝાદી બાદના સ્વતંત્ર ભારતવર્ષમાં ૧૯૫૧ ના વર્ષમાં યોજાયેલી લોકસભાની પ્રથમ સામાન્ય ચૂંટણીમાં તે સમયે બોમ્બે રાજ્યમાં આવેલા કુલ ૩૭ મતદાર વિભાગ પૈકી હાલના ગુજરાત રાજ્યના વિસ્તારને ધ્યાને લેતા તે સમયે આ વિસ્તારમાં સમાવિષ્ટ મતદાર વિભાગ નંબર ૧ થી ૧૧ બેઠકો ઉપર ચૂંટણી યોજાઈ હતી, અને અન્વયે મતદાન તા. ૨૭-૩-૧૯૫૨ ના રોજ થયું હતું.

બોમ્બે રાજ્યમાં સમાવિષ્ટ આ બેઠકો પૈકી મતદાર વિભાગ નંબર ૧-બનાસકાંઠા, ૨-સાબરકાંઠા, ૩-પંચમહાલ કમ બરોડા, ૪-મહેસાણા પૂર્વ, પ-મહેસાણા પશ્ચિમ, ૬-અમદાવાદ, ૭-કૈરા ઉત્તર (Kaira North), ૮-કૈરા દક્ષિણ (Kaira South), ૯-બરોડા પશ્ચિમ, ૧૦-બ્રોચ (હાલનું ભરૂચ) અને ૧૧-સુરતની બેઠકનો સમાવેશ થયો હતો.

ગુજરાતના ઉદ્દભવ પહેલા બોમ્બે રાજ્ય હેઠળ આવેલા આ ચરોતર પ્રદેશની વાત કરીએ તો, આ વિસ્તાર તે સમયે લગભગ બે મતદાર વિભાગમાં વહેંચાયેલો હતો તેમ કહી શકાય. આ બન્ને મતદાર વિભાગની બેઠકના મતદાન નંબર અને નામ તે સમયે ૭-કૈરા ઉત્તર (Kaira North) અને ૮-કૈરા દક્ષિણ (Kaira South) હતુ.

તે સમયમાં બોમ્બે રાજ્યની ૭-કૈરા ઉત્તર મતદાર વિભાગની સીટ ઉપર ૩,૯૧,૫૬૨ મતદારો નોંધાયા હતા. આ બેઠક ઉપર આઝાદી બાદની આ પ્રથમ ચૂંટણીમાં ૫૮.૯૧ ટકા મતદારોએ એટલે કે, ૨,૩૦,૬૮૧ મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

આ બેઠકનું પરિણામ જોઈએ તો, વિજેતા ઉમેદવારને ૧,૩૬,૮૧૦ મત અને હરીફ ઉમેદવારને ૭૭,૫૧૪ મત મળ્યા હતા. વિજેતા ઉમેદવાર તેના પ્રતિસ્પર્ધીથી ૨૫.૭૦ ટકા મતની સરસાઈથી એટલે કે, ૫૯,૨૯૬ મતોથી વિજેતા થયા હતા. પ્રથમ ઉમેદવારને ૫૯.૩૧ ટકા મત (૧,૩૬,૮૧૦ મત), દ્વિતીય ઉમેદવારને ૩૩.૬૦ ટકા મત (૭૭,૫૧૪ મત) અને તૃતીય ઉમેદવારને ૭.૦૯ ટકા મત (૧૬,૩૫૭ મત) મળ્યા હતા.

તેવી જ રીતે ૮ – કૈરા દક્ષિણની બેઠક ઉપર કુલ ૩,૬૮,૧૨૭ મતદારો નોંધાયા હતા. તે પૈકી ૨,૩૩,૧૪૮ મતદારોએ એટલે કે, ૬૩.૩૩ ટકા મતદારોએ મતદાન કર્યું હતુ.

 આ બેઠક ઉપરના વિજેતા ઉમેદવારને ૬૨.૭૨ ટકા મત એટલે કે, ૧,૪૬,૨૨૩ મત અને હરીફ ઉમેદવારને ૩૭.૨૮ ટકા એટલે કે, ૮૬,૯૨૫ મત મળ્યા હતા. વિજેતા ઉમેદવારે તેના પ્રતિસ્પર્ધીથી ૨૫.૪૩ ટકા એટલે કે, ૫૯,૨૯૮ મતોની સરસાઈથી જીત હાંસલ કરી હતી.

 

Related posts

Leave a Comment