ઉમેદવારી ફોર્મ ભરવા સમયે ચૂંટણી અધિકારી/મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીની કચેરીના ૧૦૦ મીટરના વિસ્તારમાં ૩થી વધુ વાહનો રાખવા/હંકારવા પર પ્રતિબંધ

હિન્દ ન્યુઝ, જામનગર 

    લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અંતર્ગત જામનગર જિલ્લામાં ઉમેદવારો ઉમેદવારી ફોર્મ ભરવા સમયે તેમના ટેકેદારો અને વાહનો સાથે ચૂંટણી અધિકારી/મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરીમાં જશે ત્યારે ભારતના ચૂંટણીપંચની સૂચના અનુસાર ઉમેદવારી ફોર્મ ભરવા સમયે ચૂંટણી અધિકારીશ્રી/મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરીના ૧૦૦ મીટરના વિસ્તારમાં કોઈપણ સંજોગોમાં ૩ કરતાં વધુ વાહનો રાખવા કે હંકારવાની મંજૂરી મળવાપત્ર નથી. જેથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ભાવેશ એન. ખેર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે, સમગ્ર જામનગર જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અન્વયે ઉમેદવારોએ ચૂંટણી પ્રચારમાં ઉપયોગમાં લેવાના વાહનો માટે સક્ષમ સત્તાધિકારી પાસેથી પરવાનગી મેળવી લેવાની રહેશે, તથા તેને સંબંધિત વાહનોના વિન્ડ સ્ક્રીન પર બહારથી જોઈ શકાય તે રીતે પ્રદર્શિત કરવાની રહેશે.

ચૂંટણી પ્રચાર માટે પરવાનગી મેળવેલ વાહનોનું કોનવોયમાં ઉપયોગ કરવાના કિસ્સામાં ભારતના ચૂંટણીપંચની છેવટની સૂચના મુજબ ઉપયોગ કરવાનો રહેશે. ઉમેદવારો કે તેની દરખાસ્ત કરનારાઓ ઉમેદવારી ફોર્મ ભરવા સમયે ચૂંટણી અધિકારી/મદદનીશ ચૂંટણી અધિકારી કચેરીના ૧૦૦ મીટરના વિસ્તારમાં કોઈપણ સંજોગોમાં ૩ કરતાં વધુ વાહનો રાખી કે હંકારી શકશે નહીં.

આ હુકમ તમામ પ્રકારના સરકારી, અર્ધ સરકારી વાહનો કે રાજકીય ક્ષેત્રના અગ્રણીઓ કે જેમને ઝેડ પ્લસ સુરક્ષા પૂરી પાડવામાં આવતી હોય અથવા જેમની જીંદગીને ત્રાસવાદીઓની ધમકીના કારણે જોખમ હોય- તેમને પૂરી પાડવામાં આવેલ સુરક્ષા વ્યવસ્થા માટેના વાહનો કોનવોયના વાહનોની ગણતરીમાંથી બાકાત રહેશે. આ હુકમ તા. ૦૬/૦૬/૨૦૨૪ સુધી અમલમાં રહેશે. હુકમનું ઉલ્લંઘન કરનાર ભારતીય દંડ સંહિતની કલમ ૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે, તેમ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ભાવેશ એન. ખેરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

 

 

 

Related posts

Leave a Comment