હિન્દ ન્યુઝ, જામનગર
ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા મિલેટને પ્રોત્સાહન આપવા માટે મિલેટ મહોત્સવનું રાજ્યની તમામ મહાનગરપાલિકાઓમાં આયોજન કરવામાં આવ્યું છે. આ મિલેટ એક્સ્પોનું ઉદધાટન તેમજ જામનગર જિલ્લાના રૂ.૫૨૦ કરોડના વિવિધ વિકાસ કામોનું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે શહેરના જે.એમ.સી.ગ્રાઉન્ડ ખાતેથી ઇ-ખાતમુહર્ત અને ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મુખ્યમંત્રીએ ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, ”સૌરાષ્ટ્રના પેરિસ તરીકે આગવી ઓળખ ધરાવતા જામનગરમાં આવીને હું આનંદ અનુભવું છું. આજે જામનગરમાં રૂ.520 કરોડના ખર્ચે વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત જેટલા પણ વિકાસ કાર્યો અત્યારે જામનગર જિલ્લામાં કાર્યરત છે, તેને પરિપુર્ણ કરવા માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. ગત અઠવાડિયે જ રાજ્યમાં રૂ. 1.10 લાખ કરોડના વિકાસ કાર્યોની હેલી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે વરસી છે. પદાધિકારીઓ જે કામ માટે લોક માંગણી રજૂ કરે છે, તેને કરી આપવા માટે રાજ્ય સરકારની સંપૂર્ણ તૈયારી છે. છેવાડાના માણસને મુખ્ય ધારામાં લાવવા માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રા જેવા અનેક કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. વિકસિત ભારત- ૨૦૪૭ના સંકલ્પને સાકાર કરવા માટે રાજ્ય વિકસિત ગુજરાતની લીડ લઈને આગળ વધવા માંગે છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં મોદી સરકારની ગેરંટીનો રથ પ્રત્યેક ઘર સુધી જઈને લોકોને સરકારી સહાયનો લાભ આપી રહ્યો છે. સરકારી યોજનાઓનો લાભ ભૂતકાળમાં સીમિત લોકો જ લઈ શકતા હતા. જે આજે દરેક વ્યક્તિ સુધી પહોંચતો થયો છે. દરેકને સાથે લઈને કેવી રીતે આગળ વધવું તેવા હેતુ સાથે સંપૂર્ણ વિકાસ કરવામાં આવી રહ્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનું ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર જામનગર ખાતે બની રહ્યું છે. જેના કારણે જામનગરની સમગ્ર વિશ્વમાં એક અલગ જ ઓળખ ઉભી થઇ છે. ગુજરાત સરકાર દ્વારા રૂ.3,32,000 કરોડનું ઐતિહાસિક બજેટ રજૂ કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ લોકોના વિશ્વાસનું વળતર વિકાસથી આપ્યું છે.’’ ત્યારે સૌ સાથે મળી એક થઈને આગળ વધીએ તેવી આ તકે મુખ્યમંત્રીએ નાગરિકો સમક્ષ અભ્યર્થના વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, જામનગરના નાગરિકોએ ચૂંટી કાઢેલા જનપ્રતિનિધિઓની મહેનત થકી આજે જામનગરને રુ.520 કરોડથી વધુના વિકાસ કામોની ભેટ મળી રહી છે. સરકાર લોકોના સર્વાંગી વિકાસ અને સુરક્ષાને લઈ ખૂબ સતર્ક છે. સમગ્ર રાજ્યમાં મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ સરકારી જમીન પર કરવામાં આવેલ અનઅધિકૃત દબાણો દૂર કરી લોકો માટે શાળાઓ, પુસ્તકાલયો, જાહેર બાંધકામો વગેરે જેવા લોકોપયોગી પ્રકલ્પોનું નિર્માણકાર્ય થઈ રહ્યું છે. જામનગરની કન્યા શાળા હોય કે ગુનાહિત પ્રવૃત્તિ સાથે જોડાયેલ કોઈપણ ઈસમ, સરકારે જરૂરી તમામ પગલાંઓ લઈ આ શહેરમાં શાંતિ સ્થાપી છે.
મુખ્યમંત્રીએ જે.એમ.સી. ગ્રાઉન્ડ ખાતે જામનગરના મીલેટ એક્ષ્પોને પણ આ પ્રસંગે ખુલ્લો મૂકી વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી.
કાર્યક્રમની શરૂઆતમાં કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની બાળાઓએ સુંદર સ્વાગત નૃત્ય રજૂ કર્યું હતું. ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એમ.ડી. ડી.એચ.શાહે શાબ્દિક સ્વાગત જ્યારે કાર્યક્રમની આભારવિધિ જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજે કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન હરિદેવભાઈ ગઢવીએ કર્યું હતું. આ તકે સંગઠનના હોદ્દેદારોએ મુખ્યમંત્રી નું રામ મંદિરની પ્રતિકૃતિ અર્પણ કરીને તેમજ હાલારી પાઘડી અને ખેસ પહેરાવીને અદકેરું સ્વાગત કર્યું હતું.
મુખ્યમંત્રી એ રીમોટનું બટન દબાવીને જામનગરના વિવિધ વિકાસ કાર્યોનું ઇ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરીને ઈ-તકતીઓનું અનાવરણ કર્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયાર કરાયેલી રમત સંકુલ અંગેની વિડિયો ફિલ્મનું નિદર્શન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મેયબેન ગરસર, સાંસદ પૂનમબેન માડમ, મેયર વિનોદભાઈ ખીમસુરિયા, ધારાસભ્ય સર્વે મેઘજીભાઈ ચાવડા, દિવ્યેશ અકબરી, શ્રીમતી રીવાબા જાડેજા, ડેપ્યુટી મેયર શ્રીમતી ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, મુખ્ય સચિવ રાજ કુમાર, જિલ્લા કલેકટર બી.કે.પંડ્યા, જામનગર મહાનગર પાલિકાના મ્યુનિસિપલ કમિશનર ડી.એન.મોદી, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, પૂર્વ મંત્રી શ્રીમતી વસુબેન ત્રિવેદી, શાસક પક્ષના નેતા આશિષભાઈ જોષી, દંડક કેતનભાઈ નાળવા, અગ્રણી ડો.વિમલભાઈ કગથરા, રમેશભાઈ મુંગરા, દિલીપભાઈ ભોજાણી, જિલ્લા ખેતીવાડી અધિકારી ગોહિલ, નાયબ ખેતી નિયામક વિસ્તરણ આગઠ, નાયબ બાગાયત નિયામક દેત્રોજા, ખેડૂતો, વિવિધ વિભાગના અધિકારીઓ તેમજ બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.