ગીર સોમનાથ જિલ્લાના ૯૫૫થી વધુ લાભાર્થીઓનું ‘ઘરના ઘર’નું સ્વપ્ન થયું સાકાર

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

      ‘વિકસિત ભારત-વિકસિત ગુજરાત’ની નેમને સાકાર કરતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બનાસકાંઠાના ડીસા ખાતેથી રૂ.૨,૯૯૩ કરોડના ખર્ચે ૧,૩૧,૪૫૦થી વધુ આવાસોનું વર્ચ્યુઅલ માધ્યમથી ઇ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. આ કાર્યક્રમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો. ગુજરાતના ૧૮૨ વિધાનસભા ક્ષેત્રોમાં યોજાયેલા સમાંતર કાર્યક્રમમાં રાજ્યભરમાં આવાસ યોજનાના લાભાર્થીઓ અને તેમના કુટુંબીજનો સાથે નાગરિકો મોટી સંખ્યામાં સહભાગી થયા હતા.

જે અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ, કોડિનાર, પ્રાચી અને ઉના ખાતે યોજાયેલ સમાંતર કાર્યક્રમોમાં કુલ ૯૫૯ આવાસોના ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન થયા હતાં.

આ કાર્યક્રમના ઉપલક્ષમાં પ્રાચીમાં ધારાસભ્ય ભગવાનભાઈ બારડની ઉપસ્થિતિમાં કારડિયા રાજપૂત સમાજની વાડી ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ)ના ૨૨૦, પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી)ના ૭૦, આંબેડકર આવાસ યોજનાના ૬ આવાસો એમ કુલ ૨૯૬ આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તેમજ ધારાસભ્ય પ્રદ્યુમનભાઈ વાજાની પ્રેરક ઉપસ્થિતિમાં માર્કેટિંગ યાર્ડ, કોડિનાર ખાતે યોજાયેલ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણના ૧૦૦, પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરીના ૩૪, આંબેડકર આવાસ યોજનાના ૩ આવાસો એમ કુલ ૧૩૭ આવાસોનું લોકાર્પણ કરાયું હતું.

જ્યારે ધારાસભ્ય કે.સી.રાઠોડની ઉપસ્થિતિમાં ઉના તાલુકામાં રાવણાં વાડી, ત્રિકોણબાગ ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ)ના ૨૧૨, પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી)ના ૩૬, આંબેડકર આવાસ યોજનાના ૧૦ એમ કુલ ૨૫૮ આવાસોના લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યાં હતાં.

 

તે જ રીતે વેરાવળના કે.સી.સી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ)ના ૧૮૦, પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી)ના ૭૬, આંબેડકર આવાસ યોજનાના ૭, પંડિત દિન દયાળ આવાસ યોજનાના ૫ એમ કુલ મળી ૨૬૮ આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કલેક્ટર સહિતના ઉપસ્થિત મહાનુભાવોના વરદહસ્તે ૧૫થી વધુ લાભાર્થીઓને સ્ટેજ પરથી આવાસની પ્રતિકાત્મક ચાવી સોંપવામાં આવી હતી.

આ તકે કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ‘ઘરનું ઘર હોવું એ દરેક વ્યક્તિનું સપનું હોય છે, પરંતુ આવાસવિહિન લાખો લોકોને પોતાનું ઘર મળે એવું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સપનું જોયું અને હવે એ સપનું સાકાર થયું છે. કેન્દ્ર સરકાર ઉપરાંત રાજ્ય સરકારની સહાય, પ્લોટ ફાળવણી, લાભાર્થીના ખાતામાં સીધાં જ રૂપિયા જમા કરવા જેવી તબક્કાવાર સુવિધાઓના ઉપક્રમે છેવાડાના જનજનને લાભ થયો છે.

આ તકે કલેક્ટર એ તમામ લાભાર્થીઓ નવા આવાસમાં સુખ-સમૃદ્ધિ ભોગવે અને બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બને એવી શુભકામના પાઠવી હતી.

અગ્રણી મહેન્દ્રભાઈ પીઠિયાએ જણાવ્યું હતું કે, વર્તમાન સરકાર અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં લોકકલ્યાણકારી યોજનાઓ અને લોકોપયોગી કાર્યક્રમો પારદર્શક વહીવટના કારણે વર્તમાન સમયમાં દેશના છેવાડાના લોકોના વિકાસની સાથે ભારત આજે વિશ્વગુરુ બનવાની દિશા તરફ અગ્રેસર બન્યો છે.

અગ્રણી ઝવેરીભાઇ ઠકરારે આ અવસરે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ઘરવિહોણા પરીવારોને ઘરનું ઘર મળે અને લોકવિકાસની યોજનાઓથી દેશના લોકોનો વિકાસ થાય તે દિશામાં કાર્ય કરવામાં આવી રહ્યું છે. જ્યારે પૂર્વ મંત્રી જશાભાઈ બારડ અને અગ્રણી માનસિંહભાઈ પરમારે ગરીબ, વંચિત અને છેવાડાના માણસોને સ્પર્શતી કેન્દ્ર અને રાજ્ય સરકારની ‘ઉજ્જવલા યોજના’, ‘વિધવા સહાય યોજના’, ‘આયુષ્માન યોજના’, ‘પ્રધાનમંત્રી અન્ન યોજના’ વગેરે કલ્યાણકારી યોજના વિશે ઉપસ્થિત લોકોને માહિતગાર કર્યા હતાં અને તમામ યોજનાઓનો નાગરિકો વધુમાં વધુ યોજનાઓનો લાભ લે એવી અપીલ કરી હતી.

આ તકે લાભાર્થીઓ વાજા દેવશીભાઈ, આમહેડા વિનોદભાઈ અને સોલંકી નયનાબહેને આવાસ યોજનાનો સુખદ્ અનુભવ વર્ણવતા પોતાનો પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા.

કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સંવાદ સહિતના કાર્યક્રમનું લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત તમામ લોકોએ એલ.ઈ.ડી. સ્ક્રિન પર પ્રધાનમંત્રીનું જીવંત પ્રસારણ અને મોરબી, વાપી, રાજકોટ સહિતના લાભાર્થીઓ સાથેનો સંવાદ કાર્યક્રમ નિહાળ્યો હતો.

આ તકે, મતદાન અવશ્ય કરવાની અપીલ કરતી અવસર ડોક્યુમેન્ટરી, ઈવીએમ ડેમોન્સ્ટ્રેશન, તેમજ આવાસ યોજનાના લાભાર્થીઓનો પ્રતિભાવ રજૂ કરતી ડોક્યુમેન્ટ્રી, ક્વીઝ અને ગુજરાતની વિકાસગાથા આલેખતી અને સરકારની લોકકલ્યાણલક્ષી યોજનાઓની જાણકારી આપતી વીડિયો ફિલ્મ પણ દર્શાવવામાં આવી હતી.

વેરાવળ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા પ્રમુખ પલ્લવીબેન જાની, પૂર્વ સાંસદ શ્રી ચુનીભાઈ ગોહેલ, પૂર્વ મંત્રી ગોવિંદભાઈ પરમાર, પૂર્વ બીજનિગમ ચેરમેન રાજશીભાઈ જોટવા, જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક દર્શનાબેન ભગલાણી સહિત અધિકારીશ્રીઓ, અગ્રણીઓ મહાનુભાવો અને નાગરિકો તેમજ મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

પ્રધાનમંત્રી આવાસ યોજના એ અમને જર્જરિત મકાનમાંથી બહાર નીકળ્યા- લાભાર્થી વાજા દેવસીભાઈ

આ કાર્યક્રમમાં સ્ટેજ પરથી લાભાર્થીઓએ આવાસ યોજના અંગે પોતાના સુખદ અનુભવ જણાવ્યા હતાં. જેમાંથી વેરાવળ તાલુકાના ગુણવંતપુરના વાજા દેવશીભાઈએ પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, અમારું મકાન ખૂબ જ જર્જરિત હાલતમાં હતું. મકાન બનાવી શકીએ એટલી આર્થિક પરિસ્થિતિ પણ ન હતી. ત્યારબાદ અમને ગ્રામ પંચાયતના તલાટી અને ગ્રામ સેવક દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાની માહિતી મળી અને કોઈ પણ મુશ્કેલી વિના સરકાર તરફથી પાક્કું મકાન બનાવવા માટે ૧.૨૦ લાખની સહાય મળી તેમજ મનરેગા સ્કીમ અંતર્ગત બીજા ૨૧ હજાર આપવામાં આવ્યા. આમ મને કુલ ૧.૪૧ લાખની સહાયથી મારા સપનાનું ઘરનું ઘર મળ્યું. આમ કહી તેમણે સરકાર અને વહીવટીતંત્રના ઉત્તમ સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

નબળી આર્થિક સ્થિતિના સમયમાં પાકું મકાન બનાવવા સરકારની સહાય મદદરૂપ બની : નયનાબેન સોલંકી

રાજ્યભરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં બનાસકાંઠાના ડીસા ખાતેથી રાજ્યભરના જિલ્લાઓમાં પણ આવાસોના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. જે અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાનામાં કે.સી.સી ગ્રાઉન્ડ વેરાવળ ખાતે આવાસોના ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી)ના લાભાર્થી સોલંકી નયનાબેનએ પોતાનો પ્રતિભાવ વર્ણવ્યો હતો.

નયનાબેનએ કાચા મકાનમાં પડતી મુશ્કેલીઓની વાત કરતા જણાવ્યું હતું કે, મારા પતિ દરજીનું કામ કરે છે.પ્લોટની ખરીદી કરી પણ આર્થિક સ્થિતિ નબળી હોવાથી મકાન બનાવી શકીએ તેટલી મૂડી ન હતી. પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી અંતર્ગત રૂ. ૩.૫૦ લાખની સહાય મળી. આ સહાયની મદદથી પોતાનું પાકું મકાનનું અમે નિર્માણ કરી શક્યા છીએ. આ પાકું મકાન બનતા આજે અમે ખૂશ છીએ અને વધુમાં અમારા જેવા ઘરવિહોણા અનેક પરિવારોને પાકું મકાન બનાવવા સરકાર સહાય કરી રહી છે. તે બદલ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, રાજ્યના છેવાડાના નાગરિકોને પાકા મકાનની ઘરના ઘરરૂપી છત મળે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. આજે રાજ્યભરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ૧,૩૧,૪૫૪ લાખ આવાસોનુ ઈ- લોકાર્પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે. જેનાથી રાજ્યના અનેક લોકોનું ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થયું છે.

Related posts

Leave a Comment