હિન્દ ન્યુઝ, રાજકોટ
વાઈબ્રન્ટ ગુજરાત સિવિક એન્ગેજમેન્ટ અને સિટી બ્યુટીફીકેશન અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અંધ સર્વોદય મંડળના માધ્યમથી તા.૩૧/૧૨/૨૦૨૩ના રોજ શ્રી અરવિંદભાઈ મણીઆર ઓડીટોરિયમ, જ્યુબિલિ ગાર્ડન, જ્યુબિલિ ચોક પાસે, રાજકોટ ખાતે “સંગીત સંધ્યા” કાર્યક્રમ યોજાયો હતો. “સંગીત સંધ્યા”ના પ્રારંભે કાર્યક્રમના અધ્યક્ષ મેયર શ્રી નયનાબેન પેઢડીયાના વરદ હસ્તે દિપ પ્રાગટ્ય કરવામાં આવેલ. અંધ સર્વોદય મંડળ દ્વારા સમગ્ર ગુજરાતમાંથી બેરોજગાર પ્રજ્ઞાચક્ષુ કલાકારોને સ્ટેજ પુરૂ પાડવા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ.
આ કાર્યક્રમમાં સાંસદ સભ્ય મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્ય ડૉ.દર્શિતાબેન શાહ, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, કોર્પોરેટરો ભાવેશભાઈ દેથરીયા, દેવુબેન જાદવ અને ભારતીબેન મકવાણા, કંચનબેન સિધ્ધપુરા, સંગઠનના ઇલાબેન પડીયા, બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ જયેશભાઈ ઉપાધ્યાય, તથા અંધ સર્વોદય મંડળના હોદેદારો, રાજકોટ મહાનગરપાલિકાના અધિકારી-કર્મચારી વગેરે ઉપસ્થિત રહેલ.
આ તકે મેયર નયનાબેન પેઢડીયાએ જણાવેલ કે, અંધજનો જરાય લાચાર નથી હોતા. ઈશ્વરે તેઓને દ્રષ્ટિ નથી આપી પણ તેઓને કંઈક અલગ જ વિશિષ્ટ કલા કે ક્ષમતા આપી હોય છે જેમના માધ્યમથી તેઓ પોતાનું જીવન ચલાવે છે. આપણે સૌ તેઓને બિરદાવીએ. વર્ષ ૨૦૨૩ના આખરી દિવસે લોકો નવા વર્ષને આવકારવા અલગઅલગ પ્રકારના કાર્યક્રમો યોજે છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકા અને અંધ સર્વોદય મંડળ દ્વારા “સંગીત સંધ્યા” જેવા આપણા સાંસ્કૃતિક વારસાને જાળવી રાખતા પરંપરાગત ગીત-સંગીતના કાર્યક્રમનું આયોજન થયું છે તે અભિનંદનને પાત્ર છે. વિતેલા વરસોમાં આપણે કોરોના, વાવાઝોડા વગેરે જેવા અનેક પડકારોનો સામનો કર્યો હતો ત્યારે આગામી વર્ષ સુખશાંતિમય નિવડે તેવી સૌને શુભકામના પાઠવું છું.
આ અવસરે ધારાસભ્યશ્રી ડૉ. દર્શિતાબેન શાહે તેમના પ્રાસંગોચિત વક્તવ્યમાં એમ કહ્યું હતું કે,૨૦૨૩નું વર્ષ પુરૂ થઇ રહ્યું છે અને ૨૦૨૪નું વર્ષ ટકોરા મારી રહ્યું છે ત્યારે પાશ્ચાત્ય પધ્ધતિને બદલે ભારતીય પરંપરા મુજબ આ કાર્યક્રમનું આયોજન થયું છે તે બદલ રાજકોટ મહાનગરપાલિકા અને અંધ સર્વોદય મંડળની સરાહના કરવી રહી. સાથોસાથ હું સૌને નવા વર્ષની ખુબ ખુબ શુભેચ્છા પણ પાઠવું છું. વિશેષમાં અયોધ્યામાં ભગવાન શ્રી રામનું મંદિર બનેલ છે અને પ્રભુ શ્રી રામનું આગમન થનાર છે ત્યારે સૌ આ ઐતિહાસિક અને પાવન અવસરની ઉજવણીરૂપે દિવાળી મનાવીએ અને ઘેરઘેર રંગોળી પણ કરીએ તેવો સૌને અનુરોધ છે.
આ કાર્યક્રમમાં બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટની સેવાકીય પ્રવૃત્તિઓમાં મહત્વનું યોગદાન આપનાર કુંડારિયા ફાઉન્ડેશન ટ્રસ્ટના ભાણજીભાઈ કુંડારિયા અને શાંતિભાઈ કુંડારિયાનું મંચસ્થ મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.
આ સંગીત સંધ્યા કાર્યક્રમમાં ગાયક કલાકાર ભીખુભાઈ સિસોદીયા, રૂત્વિકભાઈ જાદવ, અયાસભાઈ કુરેશી, આસ્થાબેન મીર, ધારાબેન જાડેજા, તૃપ્તિબેન પંડ્યા, સોનલબેન રાઠોડ, સંગીતાબેન તેમજ ઓર્ગન વાદક-કલ્પેશભાઈ કારેલીયા, તબલાવાદક-આકાશભાઈ જાદવ, ઢોલક વાદક-તેજસભાઈ ટાં, ઓપ્ટોપેડ વાદક-મુનીશભાઈ વગેરેએ પોતાની કલા પીરસી હતી.
આ કાર્યક્રમમાં મંચ પર બિરાજમાન મહાનુભાવોનું સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવેલ અને “સંગીત સંધ્યા”ના આ કાર્યક્રમ બદલ અંધ સર્વોદય મંડળના પ્રદીપભાઈ દવે, ભીખુભાઈ સિસોદિયા તેમજ સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા પ્રત્યે વિશેષરૂપથી આભારની લાગણી વ્યક્ત કરી હતી. આભાર વિધિ સુરેન્દ્રસિંહ વાળા દ્વારા કરવામાં આવેલ.