આણંદ અમુલ ડેરી ખાતે સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, આણંદ 

મોઢેરા સૂર્યમંદિર સહિત રાજ્યભરમાં ૧૦૮ સ્થળોએ યોજાયેલ સૂર્ય નમસ્કાર કાર્યક્રમ એ વિશ્વ વિક્રમ સર્જ્યો છે જેની નોંધ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં લેવાઈ છે.

સૂર્ય નમસ્કાર એ આત્મા સાથેના જોડાણની પ્રક્રિયા છે : નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી

 દરેક વ્યક્તિ યોગના મહત્વને સમજીને તેને જીવનનો ભાગ બનાવે તેવા શુભ આશયથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્યવ્યાપી સુર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની પૂર્ણાહુતિના ભાગરૂપે રાજયના તમામ જિલ્લાઓ/મહાનગરપાલિકાઓ તેમજ આઇકોનીક જગ્યાઓ મળી ૧૦૮ જગ્યાએ સૂર્ય નમસ્કાર કાર્યક્રમો યોજાયા હતા.

 આણંદ ખાતે સોમવારે અમુલ ડેરી, આણંદ ખાતે યોજાયેલ સૂર્ય નમસ્કાર કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકીએ સૂર્ય નમસ્કારનું મહત્વ સમજાવતા કહ્યું હતું કે, સૂર્ય નમસ્કાર હતાશા, તણાવ અને માનસિક થાકને દૂર કરી મનને પ્રફુલિત કરે છે. સૂર્ય નમસ્કાર એ માત્ર યોગ નહીં પરંતુ આત્મા સાથેના જોડાણની પ્રક્રિયા છે.

 સોલંકીજીએ સૂર્ય નમસ્કાર શરીર અને મનને શાંતિ આપવા ઉપરાંત લોહીનું પરિભ્રમણ વધારે છે, શ્વાસ નિયંત્રણ કરે છે, એકાગ્રતામાં વધારો કરે છે તથા શરીરમાં નવી ઉર્જાનું સિંચન કરે છે તેમ જણાવી યોગ અને સૂર્ય નમસ્કારને રોજિંદા જીવનમાં અપનાવવા અપીલ કરી હતી.

આ તકે ઉપસ્થિત સૌએ મહેસાણાના મોઢેરા સૂર્ય મંદિર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલ રાજ્ય કક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. 

આ કાર્યક્રમમાં અમુલ ડેરીઓના અધિકારીઓ, જિલ્લા યુવા વિકાસ અધિકારી, ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ ટ્રેઇનર સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને નગરવાસીઓ ઉપસ્થિત રહી સુર્ય નમસ્કાર યોગાભ્યાસમાં જોડાયા હતા.

Related posts

Leave a Comment