હિન્દ ન્યુઝ, જામનગર
જામનગર જિલ્લાના ખેડૂતો સહિત સમગ્ર રાજ્યભરના ખેડૂતો માટે સનેડો કૃષિ સાધનની ખરીદી ઉપર નાણાંકીય સહાય આપવાની યોજના જાહેર કરવામાં આવી છે. આ માટે ઓનલાઈન અરજી કરવા માટે આઈ ખેડૂત પોર્ટલ પર આગામી તા.28/01/2024 સુધી કરી શકાશે. ચાલુ વર્ષે ઓનલાઈન અરજીઓ મેળવવા બાબતે જે-તે તાલુકાના નાણાકીય લક્ષ્યાંકની 110% મર્યાદામાં વહેલા તે પહેલાના ધોરણે અરજી કરવાની રહે છે.
જે બાબત ધ્યાનમાં રાખતા, જામનગર જિલ્લાના તમામ ખેડૂત મિત્રો જો ઉક્ત યોજનામાં લાભ મેળવવા માંગતા હોય, તો તેમણે ઓનલાઈન અરજી કરતી વખતે ૮-અ, આધારકાર્ડ અને બેંક પાસબુકની નકલ સહિતના જરૂરી દસ્તાવેજો આઈ ખેડૂત પોર્ટલ પર અપલોડ કરવાના રહેશે. આ અરજી કર્યા બાદ તેની નકલ ખેડૂતોએ પોતાની પાસે રાખવાની રહેશે. પૂર્વ મંજુરી મળ્યેથી અરજીની પ્રિન્ટ નકલ સાથે જરૂરી સાધનિક દસ્તાવેજો ખેડૂતોએ તેમના વિસ્તારની સંબંધિત કચેરીએ જમા કરાવવાના રહેશે. જેની સર્વે ખેડૂતમિત્રોને ખાસ નોંધ લેવા માટે જિલ્લા ખેતીવાડી અધિકારી, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.