હિન્દ ન્યુઝ, છોટાઉદપુર
કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું છે કે,રાજ્યના ખેડૂતોને રવિ ઋતુના પાકો વિશે આધુનિક તાંત્રિકતા અને ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ મળી રહે તે માટે સમગ્ર રાજ્યમાં તારીખ ૨૪ અને ૨૫ નવેમ્બર દરમિયાન રવિ કૃષિ મહોત્સવ યોજાયો. રાજ્યભરમાં દ્વિ દિવસીય દરમ્યાન ૨૬૬ સ્થળો એ યોજાયેલ રવિ કૃષિ મહોત્સવ માં ૨૧૦૧૬૮ થી વધુ ખેડૂતો સહભાગી થયા હતા.
મંત્રી પટેલે ઉમેર્યું કે,રાજ્યના કુલ ૨૬૬ સ્થળોએ યોજાયેલ રવિ કૃષિ મહોત્સવનો અમદાવાદ ના પીરાણા ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે
કૃષિમંત્રી, કેન્દ્રીય રાજ્ય મંત્રી દેવુંસિંહ ચૌહાણ, ધારાસભ્ય બાબુભાઈ જમનાદાસ પટેલ, જિલ્લા તથા તાલુકાના પદાધિકારીઓ, ખેડૂત સંગઠનોના આગેવાનોની ઉપસ્થિતિમાં રાજ્યના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા તથા આધુનિક કૃષિ તકનીકી ઉપયોગ કરવા ખેડૂતોને સંદેશો આપ્યો હતો.આ પ્રસંગે ઉપસ્થિત કૃષિ મંત્રીએ રાજ્ય સરકારની ખેડૂત હિતલક્ષી મહત્વની યોજનાઓની ખેડૂતોને મળી રહેલ લાભ વિશે જાણકારી આપી અને કૃષિ મહોત્સવનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.
તેમણે ઉમેર્યું કે,સમગ્ર રાજ્યમાં યોજાયેલ આ મહોત્સવમાં રાજ્યમંત્રી મંડળના ૧૩ મંત્રીઓ,૧૭ સાંસદઓ, ૧૦૦ ધારાસભ્યઓ તેમજ જિલ્લા/તાલુકા પદાધિકારીઓ, સહકારી સંસ્થા તથા ખેડૂત સંગઠનના આગેવાનો મળીને કુલ ૨૦૯૨ પદાધિકારીઓ ઉપસ્થિત રહી ખેડૂતોને પ્રોત્સાહિત કર્યા હતા.
મંત્રી એ ઉમેર્યું કે, કૃષિ મહોત્સવના બે દિવસના કાર્યક્રમ દરમિયાન કૃષિ પરિસંવાદ, કૃષિ પ્રદર્શન, સેવા-સેતુ, પશુ આરોગ્ય કેમ્પ અને પ્રાકૃતિક કૃષિના મોડલ ફાર્મ ની મુલાકાત યોજવામાં આવી હતી. કૃષિ મહોત્સવના કાર્યક્રમોમાં ૧૪ ખેડૂતોને સરદાર પટેલ કૃષિ શંશોધન પુરસ્કાર તથા ૩૪૮ ખેડૂતોને આત્મા બેસ્ટ ફાર્મસ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત કૃષિ પરિસંવાદમાં કુલ ૭૦૮ કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા કુલ ૧,૭૬,૮૦૮ ખેડૂતોને માર્ગદર્શન આપ્યું તથા સાથે સાથે કુલ ૩૧૮ પ્રગતિશીલ ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ વિશેના અનુભવો રજૂ કરીને પોતાના વિચારો રજૂ કર્યા હતા.
તેમણે કહ્યું કે,રવિ કૃષિ મહોત્સવમાં વિવિધ વિભાગો દ્વારા કુલ ૭૫૮૫ પ્રદર્શન સ્ટોલ ગોઠવવામાં આવ્યા હતા જેનો ૨,૧૦,૧૬૮ ખેડૂતોએ લાભ લીધો હતો.કૃષિ મહોત્સવ દરમિયાન વિવિધ કૃષિલક્ષી સહાય યોજના હેઠળ કુલ ૪૭૭૯ ખેડૂતોને અંદાજીત કુલ રૂપિયા ૧૫૭૮ લાખ મૂલ્યની સહાય માટે મંજૂરીપત્રો/સહાય પત્રો/ ચેક/ પૂર્વ મંજૂરી પત્ર નું વિતરણ કરવામાં આવ્યુ છે.
રાજ્ય સરકારની વિવિધ સેવાઓનો લાભ સ્થળ પર મળી રહે તે હેતુસર સેવા સેતુ કાર્યક્રમ માટે કુલ ૨૪૯૮ સ્ટોલ ગોઠવવામાં આવેલ અને કુલ ૯૧૮૬૯ લાભાર્થીઓએ સ્ટોલની મુલાકાત લીધી.
મંત્રી એ ઉમેર્યું કે,રવિ કૃષિ મહોત્સવના બે દિવસીય કાર્યક્રમ દરમિયાન રાજ્યમાં કુલ ૨૬૮ પશુ આરોગ્ય કેમ્પ ગોઠવાયા જેનો કુલ ૧૬૦૩૧ પશુપાલકોએ લાભ લીધો.
કૃષિ મહોત્સવના બીજા દિવસે મંત્રી દ્વારા એ.પી.એમ.સી, રાજકોટ ખાતે યોજાયેલ કૃષિ પ્રદર્શનની મુલાકાત લઇ ખેડૂતોને માર્ગદર્શિત અને પ્રોત્સાહિત કર્યા હતા. રવિ કૃષિ મહોત્સવના બીજા દિવસે કુલ ૪૨૦૮૬ ખેડૂતોએ કૃષિ પ્રદર્શન અને પ્રાકૃતિક કૃષિ મોડેલ ફાર્મની મુલાકાત લઇ માર્ગદર્શન મેળવ્યું છે.
આમ સમગ્ર રવિ કૃષિ મહોત્સવ ૨૦૨૩ના કાર્યક્રમમાં કુલ ૨૧૦૧૬૮ થી વધુ ખેડૂતોએ લાભ લીધેલ છે