હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરદાર સરોવર ડેમના બાંધકામથી ડૂબમાં ગયેલી જમીનના ખાતેદારોના પુનઃવસવાટ માટે બનાવવામાં આવેલી ૮૦ જેટલી વસાહતોને તેના નજીકના મૂળ ગામ સાથે ભેળવી દેવાનો નિર્ણય કર્યો છે.
સરદાર સરોવર ડેમના નિર્માણને કારણે જેમની જમીનો ડુબાણમાં ગયેલી છે તેવા ખાતેદારોના પુનઃવસવાટ માટે સરદાર સરોવર પુનઃ વસવાટ એજન્સી દ્વારા જુદી જુદી જગ્યાએ વસાહતો બનાવવામાં આવી છે.નર્મદા યોજનાના અસરગ્રસ્તોને પુનઃસ્થાપન કરીને વસાવવામાં આવેલી આવી વસાહતોમાં અસરગ્રસ્તોને માટે રહેણાંકના મકાનો, પીવાના પાણીની સુવિધા, રસ્તા, કોમન પ્લોટ, સ્કુલ, દવાખાના વગેરે ભૌતિક સવલતો પૂરી પાડવામાં આવેલી છે.આવી વસાહતોને તેના નજીકના મૂળ ગામ સાથે ભેળવી દેવા અંગે રાજ્યના પંચાયત ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગને મળેલી રજૂઆતોને વિભાગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ મુકતાં તેમણે તેને અનુમોદન આપ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ના આ નિર્ણય થી આવી વસાહતો અંગેના પડતર રહેલા વિષયે સુખદ નિરાકરણ આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરેલા આ નિર્ણય અનુસાર ભરૂચ જિલ્લાની ૯, છોટાઉદેપુર જિલ્લાની ૧૪, નર્મદાની ૧૩, વડોદરાની ૩૮, પંચમહાલની ૫ અને ખેડાની ૧ મળી કુલ ૮૦ વસાહતોને મૂળ ગામ સાથે ભેળવી દેવાશે.
આ વસાહતો મૂળ ગામ સાથે ભળી જવાથી ગ્રામ પંચાયત દ્વારા અપાતી વિવિધ સેવાઓનો લાભ તેમને મળશે.એટલું જ નહીં, ગ્રામ પંચાયતની નિર્ણય પ્રક્રિયામાં સહભાગી થવાની તક તેમજ જે તે ગ્રામ પંચાયતો જોડે ભળવાને કારણે સામાજિક રીત-રિવાજો, વ્યવહારોમાં પણ એકબીજા સાથે સંકલન અને સંબંધ વધુ સુદ્રઢ બનશે.