ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રાના સુચારૂ આયોજન માટે બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ 

        જિલ્લાના છેવાડાના નાગરીકો સુધી સરકાર ની કલ્યાણલક્ષી યોજનાઓનો લાભ પહોંચાડવા માટે અને વિવિધ યોજનાઓની જાગૃતિ તેમજ પ્રસાર થાય તેવા શુભહેતુસર રાજ્યમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં પણ તા.૨૨ નવેમ્બરથી બે માસ સુધી વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાશે. જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષસ્થાને આ યાત્રાનું સુચારૂ આયોજન થાય તે અંતર્ગત બેઠક યોજાઈ હતી.

વિકસિત ભારત સંકલ્પ યાત્રાના સુચારૂ આયોજન માટે કલેકટર કચેરી સભાખંડ ખાતે મળેલી બેઠકમાં જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણિયાએ શીર્ષ અધિકારી ઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, વિકસિત ભારત સંકલ્પ યાત્રા એ લોકસેવાના હેતુસર યોજાનાર યાત્રા છે. આ યાત્રા દરમિયાન જેમને સરકાર ની વિવિધ યોજનાઓના લાભો મળવાપાત્ર હોય તેવા તમામ સુધી પહોંચીને યોજનાઓનો લાભ આપવાનો છે. આ ઉપરાંત ગામડાઓમાં ગ્રામ સભા, આરોગ્ય કેમ્પનું પણ આયોજન કરવામાં આવશે. સરકારશ્રીની વિવિધ યોજનાઓમાં પાત્રતા ધરાવતા એકપણ લાભાર્થી છૂટી ન જાય એ દિશામાં પ્રયત્નો કરવા કલેક્ટરએ શીર્ષ અધિકારીઓને સૂચના આપી હતી.

આ ઉપરાંત જિલ્લા વિકાસ અધિકારી રવિન્દ્ર ખતાલેએ પણ સરકારની વિવિધ યોજનાઓની માહિતી જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં પણ છેવાડાના તમામ લોકો સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું. વધુમાં તેમણે યાત્રા દરમિયાન લાભો મળવાપાત્ર હોય એવા લાભાર્થીની નોંધણી કરવા અને વિવિધ યોજનાકીય કામગીરીના યોગ્ય પ્રચાર-પ્રસાર થકી લોકોની સામાજિક અને આર્થિક પ્રગતિ ઉજાગર કરવા જણાવ્યું હતું. ઉપરાંત તેમણે ઉમેર્યુ હતું કે, પ્રથમ તબક્કામાં વેરાવળ, ઉના અને સુત્રાપાડા ખાતે રોજના બે ગામોમાં આ યાત્રા મુકામ કરશે. આ માટે જિલ્લા કક્ષા અને તાલુકા કક્ષાએ અમલીકરણ સમિતિની રચના કરવાની સાથે નોડેલ અધિકારીઓની પણ નિમણૂંક કરવામાં આવશે.

નોંધનીય છે કે, વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન આયુષ્માન ભારત યોજના, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, દીનદયાલ અંત્યોદય યોજના, પ્રધાન મંત્રી આવાસ યોજના (રૂરલ), પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના, કિસાન સન્માન યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ, જીવન જ્યોતિ વીમા યોજના, સુરક્ષા વીમા યોજના, અટલ પેન્શન યોજના, પ્રાકૃતિક કૃષિ, ખેતીવાડી સહિત ૧૭ યોજનાઓને આવરી લેવામાં આવી છે. સરકારશ્રીની આ ૧૭ જેટલી યોજનાઓની માહિતી અને લાભો ઘરઘર સુધી પહોંચાડવા માટે ગીર સોમનાથ જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા તમામ ગામમાં ફરશે.

આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ મંજૂલાબહેન મૂછાર, અધિક કલેક્ટર બી.વી.લિંબાસિયા, ગ્રામ વિકાસ એજન્સી નિયામક દર્શનાબહેન ભગલાણી, પ્રાંત અધિકારી કે.વી.બાટી, વાસ્મો ડિસ્ટ્રીક્ટ કો ઓર્ડિનેટર અલ્કાબહેન મકવાણા, જિલ્લા શિક્ષણાધિકારી સહિત આરોગ્ય, ખેતીવાડી સહિત સંબંધિત વિભાગોના શીર્ષ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

Related posts

Leave a Comment