છોટાઉદેપુર ખાતે “વાઇબ્રન્ટ ગુજરાત વાઈબ્રન્ટ છોટાઉદેપુર” (VGVC) કાર્યક્રમ યોજાયો

છોટાઉદેપુર  

        રાજ્ય સરકાર દ્વારા પ્રથમ વાઇબ્રન્ટ સમિટને ૨૦ વર્ષ પૂર્ણ થતાં તેના ભાગરૂપે જિલ્લા કક્ષાએ “વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ છોટાઉદેપુર” પ્રી-સમીટનું આયોજન આજરોજ તા.૦૭/૧૦/૨૦૨૩નાં રોજ સવારે જીલ્લા પંચાયત કોન્ફરન્સ ખાતે યોજાઈ હતી. જેમાં જીલ્લાના પ્રભારીમંત્રી ભીખુસીહ પરમારના અધ્યક્ષ સ્થાને ગુજરાતમાં પ્રથમ વખત દરેક જીલ્લામાં આવી પ્રી-સમિટ યોજાઈ હતી. જેમ ગાંધીનગરમાં છેલ્લા ૨૦ વર્ષથી વાઈબ્રન્ટ ગુજરાત દેશ અને દુનિયાના ઉદ્યોગકારો માટે યોજાય છે તેમ ગુજરાતના દરેક જીલ્લામાં આવી વાઈબ્રન્ટ સમિટ આ વખતે યોજાઈ રહી છે. અહી જીલ્લા કક્ષાના નાના-નાના ઉદ્યોગકારો, કારીગરો, વાંસ, માટીના વાસણો, મૂર્તિ, સંખેડાનું ફર્નિચર બનાવનાર, સખી મંડળની બહનો દ્વારા બનાવેલી વસ્તુઓ, પ્રાકૃતિક ખેતી આધારિત ઉત્પાદિત ચીજ વસ્તુઓ, ખાણી-પીણીની પોષ્ટિક વસ્તુઓ, વારલી પેન્ટિંગ, પીથોરા પેન્ટિંગ, કેળાની છાલમાંથી બનાવેલા કાગળની હાથ બનાવટની ડાયરીઓ, આ ઉપરાંત આદિવાસી સંસ્કૃતિની ઝાંખી દર્શાવતી વસ્તુઓના સ્ટોલ જેવા સ્ટોલ અહી લગાવવામાં આવ્યા હતા અને ગાંધીનગરમાં દર વર્ષે યોજાતા સમીટ પ્રકારે અહી જીલ્લા કક્ષાએ પણ તેવો જ પ્રયત્ન કરવામાં આવ્યો હતો. આ એક્ઝીબીશનનું રીબીન કાપી પ્રભારી મંત્રીએ ઉદઘાટન કર્યું હતું. સરકારશ્રી દ્વારા એક્ષપોર્ટ કોન્કલેવ્સ, સ્ટાર્ટઅપ, વન ડિસ્ટ્રીકટ વન પ્રોડક્ટ, એક્સપોર્ટ હબ વગેરે વિવિધ બાબતો અંગે જિલ્લાનાં ઉધોગ સાહસિકોને પ્રોત્સાહિત કરવા માટે અને ઉધોગોને બેંક તરફથી અને વિવિધ કચેરી મારફત કયા પ્રકારની સેવાઓ પ્રાપ્ત થાય છે અને તે સેવાઓના લાભ માટે થતી સમસ્યાઓ અંગે તાત્કાલીક સ્થળ પર નિકાલ કરવા માટે કાર્યક્રમમાં આનુષંગિક સ્ટોલ પણ રાખવામાં આવેલ હતા. કાર્યક્રમમાં જિલ્લા ઉધોગ કેન્દ્રની વિવિધ પ્રોત્સાહન યોજનાઓનું માર્ગદર્શન અને સાહિત્ય આપવામાં આવ્યું હતું. ઉદ્યોગકારો માટે વિવિધ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત ૨૦ જેટલા ઇન્વેસ્ટર્સ સાથે વિવિધ એમઓયુ કરાયા હતા જેમાં ૩૫૦ જેટલા લોકોને રોજગારી આપવામાં આવશે.  

જીલ્લા પંચાયતના હોલમાં આ સમીટને દીપ પ્રગટ્ય કરી ખુલ્લું મુકતા પ્રભારીમંત્રીએ એક્ષિબિટર, ઇન્વેસ્ટર્સ, મુલાકાતીઓને સંબોધતા જણાવ્યું હતું કે નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહની જુગલ જોડી અને ગુજરાતના પનોતા પુત્રોએ ઉદ્યોગોના વિકાસની સાથે સાથે ગરીબમાં ગરીબ માણસનું જીવન ધોરણ પણ ઊંચું આવે તેવું વિઝન સેવ્યું હતું. કોઈને અન્યાય ન થાય અને જરૂરિયાતમંદને લાભ થાય તેવી ભાવના સાથે વાઈબ્રન્ટ ગુજરાતને શરુ કરવામાં આવ્યું હતુ. નાનામાં નાના માણસને રોજગારી મળે, કલાકારો, કસબીઓ, કારીગરોને પ્લેટફોર્મ મળી રહે તેવા આશયથી આ જીલ્લા કક્ષાના પ્રીસમિટનું આજે આયોજન કરવામાં આવ્યું છે. નરેન્દ્રભાઈ મોદીની સરકાર બાદ ભુપેન્દ્રભાઈ પટેલે પણ આ પરમ્પરા જાળવી રાખી લોકોના સર્વાંગી વિકાસ માટે ૨૦૦ જેટલી યોજનાઓ અમલમાં લાવેલ છે. વધારે ઉમેરતા રાજ્ય અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાતની સમગ્ર વસ્તીના ૫૦% લોકોને અમે મફત અનાજ આપી ચુક્યા છીએ. છેવાડાના માનવીના ઉદ્ધાર માટે આ સરકાર કટિબદ્ધ છે. વડપ્રધાનની જી-૨૦ની સફળતાથી આપણા દેશની વિશ્વ ગુરુ બનવાની આગેકુચ શરુ થઈ ચુકી છે.    

સાંસદ ગીતાબેન રાઠવાએ જણાવ્યું હતું કે આપણા જીલ્લાની વાત અનોખી છે. અહી સ્ત્રી અને પુરષો બંનેમાં કારીગરી સમાયેલી છે. આપણા જીલ્લાની હસ્તકલા, કારીગરી, કળા, લોકજીવન, અહીની ખાસિયતો લોકો સુધી પહોચે માટે વાઈબ્રન્ટ સમિટ યોજવામાં આવી છે. વિશેષ નાના ઉદ્યોગકારોને ૧ લાખ અને ૨ લાખની લોન આપવામાં આવશે. જીલ્લા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ મલકાબેન પટેલે સખી મંડળને પણ આ સમિટમાં આવરી લીધાની વાત કરી હતી. કલાકારો અને સર્જનાત્મક વિચારો ધરાવતા લોકોમાં સુષુપ્ત શક્તિઓ છુપાયેલી હોય છે. આ શક્તિઓને આર્થિક રીતે પગભર કરાવવાનું કામ જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર કરી રહ્યું છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું સ્વપન હતું કે નાના નાના લોકો પોતાની કળા દ્વારા પોતાના પરિવારને પગભર કરી રહ્યા છે. 

આ સમિટમાં પ્રભારીમંત્રી ઉપરાંત સાંસદ ગીતાબેન રાઠવા, જીલ્લા પંચાયત પ્રમુખ, જીલ્લા કલેકટર, જીલ્લા વિકાસ અધિકારી, પ્રાયોજના અધિકારી, અધિક નિવાસી કલેકટર, ડીઆઈસીના જનરલ મેનેજર, તેમજ અન્ય અધિકારીઓ- પદાધિકારીઓ હાજર રહ્યા હતા.

Related posts

Leave a Comment