કન્જક્ટિવાઈટિસ’ને સામાન્ય ભાષામાં આપણે “આંખ આવવી” કહીએ છીએ: સંપર્ક દ્વારા ફેલાતો વાઈરલ કન્જક્ટિવાઈટીસ

હિન્દ ન્યુઝ, બોટાદ 

      ‘કન્જક્ટિવાઈટિસ’ને સામાન્ય ભાષામાં આપણે “આંખ આવવી” કહીએ છીએ. આંખની આગળના ભાગમાં રહેલા મેમ્બ્રેનમાં સોજો આવી જાય ત્યારે આંખો સોજી જાય છે. કન્જક્ટિવાઈટીસનું સૌથી સામાન્ય કારણ વાયરલ ચેપ છે. આ સિવાય બેક્ટેરીયલ ચેપ અને આંખની દવાઓ પ્રત્યેની પ્રતિક્રિયાઓનો સમાવેશ થાય છે.

લક્ષણો:

• આંખની લાલાશ

• આંખમાંથી સ્રાવ

• આંખ બળતી હોવાનો ભાસ

• ખંજવાળ આવવી

• પ્રકાશથી સંવેદનશીલતા

કન્જક્ટિવાઈટીસ કેવી રીતે ફેલાય છે?

• વાઈરલ કન્જક્ટિવાઈટીસ એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિના સંપર્ક દ્વારા ફેલાય છે. તે શરદી, શ્વાસ તથા ગળાના ચેપ પહેલા,દરમિયાન કે પછી પણ થઈ શકે છે.

• જો લાંબા સમય સુધી મટે નહીં તો બેક્ટેરિયલ ચેપ પણ લાગી શકે છે.

• એલર્જીક કન્જક્ટિવાઈટીસ સામાન્ય રીતે વસંત ૠતુ તથા ઉનાળામાં જોવા મળે છે. તેનું મુખ્ય લક્ષણ ખંજવાળ છે. તે પરાગરજની એલર્જીથી થાય છે.

• બેક્ટેરિયલ કન્જક્ટિવાઈટીસ વાઈરલ કન્જક્ટિવાઈટીસની જેમ ચેપી છે. તેમાં મુખ્યત્વે શુષ્ક આંખો તથા આંખની પાંપણોના સોજા જોવા મળે છે.

કન્જક્ટિવાઈટીસમાં શું સાવચેતી લેવી જોઈએ?

• બંને ત્યાં સુધી આંખોને સ્પર્શ કરવો નહીં, અને જો સ્પર્શ કરો તો તે પહેલાં અને પછી હંમેશા સાબુથી હાથ ધોવા જોઈએ.

• અન્ય લોકો સાથે નજીકથી સંપર્ક ટાળવો જોઈએ. જેથી આ રોગ ફેલાતો અટકાવી શકાય.

• તમારી વ્યક્તિગત વસ્તુઓનો અન્ય વ્યક્તિને ઉપયોગ કરવા દેવો નહીં.

• કોન્ટેક્ટ લેન્સ પહેરતા હોય તો તમારે મર્યાદિત સમય માટે એનો ઉપયોગ ટાળવો જોઈએ.

• કન્જક્ટિવાઈટીસ થયો હોય ત્યારે બહાર જતી વખતે કે અન્ય લોકો સાથે સીધા સંપર્કમાં આવતી વખતે કાળા રંગના ગોગલ્સનો ઉપયોગ કરવો જોઈએ.

આંખ આવે ત્યારે કેટલાંક સરળ ઘરેલું ઉપચારની વાત કરીએ તો,

• વધુ પ્રમાણમાં પ્રવાહી લેવુ. આ માટે મહત્તમ પાણી પીવું અને તાજા ફળોના રસનું સેવન કરવું જોઈએ. 

• આંખ આવી હોય ત્યારે રાહત મેળવવા માટે કાકડીનો ઉપયોગ કરી શકાય છે. આંખમાં થતાં સોજા પર કાકડી મુકવાથી દુઃખાવાથી રાહત મળે છે.

આમ છતાં જો લક્ષણો વધુ તીવ્ર જણાય તો ડોક્ટરનો સંપર્ક સાધી તેમની સલાહ લેવી અનિવાર્ય છે.

રિપોર્ટર : અલ્તાફ માણીપર, બોટાદ

Related posts

Leave a Comment