જળ એ અમૃત છે જેથી પાણીનો જરૂરિયાત મુજબ ઉપયોગ કરવો જોઇએ : ધારાસભ્ય કાળુભાઇ ડાભી

“સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૨૩”

હિન્દ ન્યુઝ, બોટાદ

ધંધુકાના ધારાસભ્ય કાળુભાઇ ડાભીના હસ્તે બોટાદ જિલ્લામાં “સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૨૩”નો છઠ્ઠા તબક્કાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ધારાસભ્યએ બરવાળા તાલુકાના કુંડળ ગામે સાળંગપુર રોડનું તળાવ ઉડું કરવાના કામનું ખાતમુહુર્ત કરી આ અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો.

આ કાર્યક્રમ પ્રસંગે ધારાસભ્યશ્રી કાળુભાઇ ડાભીએ અધ્યક્ષપદેથી ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, “દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રબળ નેતૃત્વમાં ખેડૂતોને સિંચાઇની સુવિધાનો મહત્તમ લાભ મળી રહે તે માટે ખેત તલાવડી સહિત અનેકવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે જેનાં લાભો છેવાડાના ખેડૂતોને પણ મળી રહ્યાં છે.” ધારાસભ્યએ વધુમાં ઉમેર્યું હતુ કે, સમગ્ર ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં દર વર્ષે જળસંચયના કામો ‘સુજલામ સુફલામ જળ અભિયાન’ થકી હાથ ધરવામાં આવી રહ્યાં છે. જેથી જિલ્લાના ખેડૂતોને રોજગારી પણ મળી રહી છે. વરસાદી પાણી પહેલા પાળ બાંધવાના આ અભિયાનને લીધે અને જમીનમાં વરસાદી પાણીનો સંગ્રહ થવાથી જળ સ્તર ઉંચા આવી રહ્યાં છે અને પિયતની સુવિધાઓમાં પણ સરળતા રહે છે. જળ એ અમૃત છે જેથી પાણીનો જરૂરિયાત મુજબ ઉપયોગ કરવા અને સુજલામ સુફલામ જળ અભિયાનમાં સહભાગી બનવા ધારાસભ્યએ અનુરોધ કર્યો હતો.

જિલ્લામાં “સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૨૩” અંતર્ગત અંદાજિત રૂ.૯૧૦.૪૩ લાખના આયોજન સામે ૪૦૪ જેટલાં કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે જેનાથી મનરેગા દ્વારા અંદાજિત ૯૬,૨૫૭ માનવદિન રોજગારી ઉત્પન્ન થશે અને ૪૦૫૨૮૧ ઘન મીટર સંગ્રહ શક્તિમા વધારો થશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, બોટાદ જિલ્લામાં વર્ષ ૨૦૨૦માં સુજલામ સુફલામ જળ અભિયાનમાં અંદાજિત ૫૭૪ લાખના ખર્ચે જળસંચયના ૩૫૫ કામો પૂર્ણ કરવામાં આવ્યાં છે જેનાથી ૧૦૬૮૮૭૮ ઘન મી. જળસંગ્રહ શક્તિમા વધારો થયો છે. વર્ષ ૨૦૨૧માં સુજલામ સુફલામ જળ અભિયાનમાં અંદાજિત ૭૮૦ લાખના ખર્ચે જળસંચયના ૫૦૯ કામો પૂર્ણ કરવામાં આવ્યાં છે જેનાંથી ૧૪૩૬૯૫૭ ઘન મી.જળસંગ્રહ શક્તિમાં વધારો થયો છે તેમજ વર્ષ ૨૦૨૨માં સુજલામ સુફલામ જળ અભિયાનમાં અંદાજિત ૭૮૪ લાખના ખર્ચે જળસંચયના ૪૧૨ કામો પૂર્ણ કરવામાં આવ્યાં છે જેનાથી ૪૧૯૪૧૩ ઘન મી.જળસંગ્રહ શક્તિમાં વધારો થયો છે.

કાર્યક્રમમાં સિંચાઈ વિભાગ (સ્ટેટ)ના કાર્યપાલક ઈજનેરશ્રી એચ.જે.શિકોત્રાએ સૌને આવકારી સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૨૩ની રૂપરેખા આપી હતી જેમાં તળાવ ઉંડુ ઉતારવાની કામગીરી લોકભાગીદારીથી ૬૦:૪૦ ના રેશિયો પ્રમાણે ગ્રામપંચાયત, કુંડળ દ્વારા હાથ ધરવામાં આવશે. આ કામના થનાર ખર્ચના ૬૦ ટકા રકમ સરકાર દ્વારા ચુકવવામાં આવશે તથા ૪૦ ટકા રકમ ગ્રામ પંચાયત, કુંડળ દ્વારા ભોગવવામાં આવશે તેમ જણાવ્યું હતું. અંતમા બરવાળાના પ્રાંત અધિકારી પરેશભાઇ પ્રજાપતિએ આભારવિધિ કરી હતી.

આ વેળાએ જિલ્લા કલેક્ટર બીજલ શાહ, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી અને નિવાસી અધિક કલેક્ટર મુકેશ પરમાર, બરવાળા મામલતદાર, બરવાળા તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા તેમજ તાલુકાના પદાધિકારીઓ-અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

Related posts

Leave a Comment