હિન્દ ન્યુઝ, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ ના મિલકત વેરા વસુલાતના લક્ષ્યાંકને પહોંચી વળવા માટે સઘન વસુલાત ઝુંબેશ શરૂ કરવામાં આવેલ છે. જેમાં મિલકત વેરાની સાથોસાથ પાણી દરની રકમ ભરવાની બાકી હોય તેવા અનલિંક નળ કનેક્શન અંગેની એક ખાસ ઝુંબેશ શરૂ કરવા મ્યુનિ. કમિશનર શ્રી અમિત અરોરાએ આદેશ કર્યો છે. હાલ કુલ–૫૭,૭૮૦ અનલિંક નળ કનેક્શનોના પાણી દરના માંગણાની વસુલાત બાકી છે, જે પૈકી ૨૫૪૦૬ અનલિંક નળ કનેક્શનો એવા છે જેની દરેકની રૂ.૨૫૦૦૦/- થી વધારે રકમની પેન્ડીંગ માંગણાની વસુલાત કરવા આ ઝુંબેશ હાથ ધરવામાં આવશે. જ્યારે રૂ. ૫,૦૦૦/- કે તેથી વધુ રકમનો પાણી દર ભરપાઈ કરવાનો બાકી હોય તેવા અન્ય કનેક્શનોને પણ આ ઝુંબેશમાં આવરી લેવામાં આવનાર છે.
આ નળ કનેક્શનો મિલકત વેરા નંબર સાથે લિંક થયેલ ન હોઈ બાકી વેરાની સાથે વેરા વસુલાત શાખા દ્વારા મિલકત વેરા સાથે વસુલાત થઇ શકતી નથી. જે વસુલાત માટે અલગથી આયોજન કરવું અત્યંત આવશ્યક જણાય છે. આથી રૂ.૨૫,૦૦૦/- થી વધુ પાણી દર બાકી હોય તેવા કુલ–૨૫,૪૦૬ નળ કનેકશનોની વસુલાત કરવા માટે ત્રણેય ઝોનના સીટી એન્જીનીયરના સીધા નિયંત્રણ અને સુપરવિઝન હેઠળ લગત ઝોનના વોર્ડ એન્જીનીયર મારફત કામગીરી સુપ્રત કરવા કમિશનર દ્વારા હુકમ કરવામાં આવેલ છે.
આ કામગીરી ૩૧ માર્ચ, ૨૦૨૩ સુધી કરવાની રહેશે તેમજ વધુમાં વધુ રીકવરી થાય તે મુજબનું લગત વોર્ડમાં આયોજન કરી સંબંધિત વોર્ડના વોર્ડ એન્જીનીયર તેઓના તાબા હેઠળના એ.ઇ./એ.એ.ઇ. અને વર્ક આસીસ્ટન્ટ મારફત કરાવવામાં આવનાર છે.
આ ઝુંબેશ દરમ્યાન નીચેની વિગેતી પણ કાર્યવાહી કરવામાં આવશે.
1) સ્થાનીકે અનલિંક કનેક્શન વસુલાત દરમ્યાન સંબંધિત નળ કનેક્શનને લગત મિલકતના મિલકત નંબર તેમજ મોબાઇલ નંબર મેળવવામાં આવશે.
2) સ્થાનિકે નળ કનેકશન હયાત ન હોય તેવા કિસ્સામાં ક્નેકશન રદ્દ કરવા માટે જરૂરી કાર્યવાહી કરી નળ કનેકશન કઈ તારીખથી રદ કરવા પાત્ર છે તે સ્પષ્ટ માહિતી સાથેનો સક્ષમ અધિકારીનો હુકમ કરી તેની નકલ સંબંધીત વોર્ડ ઑફિસે આપવામાં આવશે.
3) સ્થાનિકે વધારાનુ નળ કનેક્શન જોવા મળે તો તે કનેકશનની સાઇઝ અને જો કનેક્શન રેગ્યુલરાઇઝ કરવાનું થતું હોય તો તે મુજબ રેગ્યુલરાઇઝ કરવાની કાર્યવાહી કરવામાં આવશે.
4) આ કામગીરી જે તે વોર્ડના વોર્ડ ઑફિસરના સંકલનમાં રહીને કરવામાં આવશે.