કચ્છ જિલ્લાને ફાળવાયેલા ત્રણ ધન્વંતરિ આરોગ્ય રથને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવતા કચ્છ મોરબી સાસંદ વિનોદભાઈ ચાવડા

તંદુરસ્ત રાષ્ટ્ર, તંદુરસ્ત સમાજ, તંદુરસ્ત શ્રમિક પરિવાર

હિન્દ ન્યુઝ, ભુજ

ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય અને રોજગાર વિભાગના ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડના સંયુક્ત ઉપક્રમે કચ્છ જિલ્લામાં ત્રણ ધન્વંતરિ આરોગ્ય રથની ફાળવણી કરવામાં આવી છે. જેને આજરોજ જિલ્લા સેવા સદન ભુજ કચ્છ ખાતે કચ્છ મોરબી સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા, ભુજ ધારાસભ્ય કેશુભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર દિલીપ રાણાએ લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું.

આ પ્રસંગે કચ્છ મોરબી સાસંદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે કચ્છ જિલ્લામાં ત્રણ ધન્વંતરિ આરોગ્ય રથ કાર્યરત હતા જ્યારે અન્ય ત્રણ રથની સરકારે ફાળવણી કરતા આજરોજ તેને પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે. જિલ્લામાં કુલ છ ધન્વંતરિ રથ તેમની ટીમ સાથે સેવા આપશે. તેઓએ ધન્વંતરિ આરોગ્ય રથની અદ્યતન સુવિધાઓને બિરદાવી હતી. શ્રમયોગીઓની દરકાર કરતી આ યોજનાના સુચારુ અમલીકરણને લઈને સાંસદએ મુખ્યમંત્રીનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.

આ ધન્વંતરિ આરોગ્ય રથમાં બાંધકામ શ્રમિકોની નોંધણી, બાંધકામ સાઈટ્સ, કડીયાનાકા અને શ્રમિકોની વિનામૂલ્યે બાંધકામ શ્રમિક તરીકે નોંધણી કરી ઇ-નિર્માણ કાર્ડ કાઢી આપવાની વ્યવસ્થા સાથે શ્રમિક પરામર્શ અને યોજનાકીય સહાયની માહિતી આપવામાં આવશે. આ ઉપરાંત વિવિધ તબીબી સેવાઓ જેમાં તાવ, ઝાડા, ઉલ્ટીની સારવાર, સામાન્ય રોગોની સારવાર, ચામડીના રોગોની સારવાર, રેફરલ સેવાઓ, નાની ઈજા તેમજ ડ્રેસિંગ વગેરેની સુવિધા, નાના બાળકોની સારવાર, સગર્ભા માતાની પ્રાથમિક તપાસ જેવી તબીબી સેવાઓ આપવામાં આવશે. ઉપરાંત, લેબોરેટરી સેવાઓ જેમાં હિમોગ્લોબીનની તપાસ, મેલેરીયાની તપાસ, પેશાબની તપાસ, લોહીમાં સુગરની તપાસ, પ્રેગનન્સી ટેસ્ટની સુવિધાઓ ઉપલબ્ધ છે. આ રથમાં ડોક્ટરના સલાહ-સૂચન મળી રહેશે તેમજ જરૂરી દવાઓનું નિઃશુલ્ક વિતરણ પણ કરવામાં આવશે.

ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા સંયુક્ત પહેલ હેઠળ કાર્યાન્વિત ધન્વંતરિ આરોગ્ય રથની સેવાઓ બાંધકામ શ્રમિકોને તેઓના કાર્યસ્થળ જેવા કે બાંધકામ સાઇટ, કડીયાનાકા તેમજ શ્રમિક વસાહતો સુધી પહોંચી આરોગ્યની પ્રાથમિક સેવાઓ પૂરી પાડવા માટે કટિબદ્ધ છે. ધન્વંતરિ આરોગ્ય રથ અદ્યતન ટેકનોજીથી સજ્જ છે. જેના લીધે શ્રમિકોની ઓનલાઇન ડેટા એન્ટ્રી અને રજિસ્ટ્રેશન જીપીએસ દ્વારા રિયલ ટાઇમ ટ્રેકિંગ તેમજ તાલીમબદ્વ કર્મચારીઓ દ્વારા તબીબી સેવાઓ નિ:શુલ્ક પુરી પાડી શકાય. આ રથમાં લેબર કાઉન્સેલર દ્વારા શ્રમિકોને વિવિધ યોજનાઓની સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. આ સાથે રથ દ્વારા કચ્છ જિલ્લાના તમામ બાંધકામ સ્થળો પર સેવાઓ પુરી પાડવામાં આવશે.

આ પ્રસ્થાન સમયે જિલ્લા સરકારી શ્રમ અધિકારી ચિંતન ભટ્ટ, મયુર જાદવ, જિલ્લા પ્રોજેક્ટ મેનેજર મોહિત પંડ્યા, અનિલ ગોહિલ, ધન્વંતરિ રથ પ્રોજેક્ટ મેનેજર કલ્પેશ ચૌહાણ, જિલ્લા ક્વોલિટી મેડિકલ ઓફિસર ડૉ.અમીન અરોરા તેમજ રથના તબીબી અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.  

Related posts

Leave a Comment