હિન્દ ન્યુઝ, ભાવનગર
પદ્મશ્રી ગફૂરભાઈ મોહમ્મદભાઈ બિલખિયા :
પદ્મશ્રી ગફૂરભાઈ મોહમ્મદભાઈ બિલખિયાએ ગુજરાત ખાદી બોર્ડના સભ્ય તરીકે ત્રણ વર્ષ સેવાઓ આપી છે. પાંચ વર્ષ સુધી તેમણે ખાદી અને ગ્રામ ઉદ્યોગ આયોગ, પશ્ચિમ ક્ષેત્રના સદસ્ય તરીકે સેવાઓ આપી છે. ગાંધી સ્મૃતિ અને દર્શન સમિતિ, રાજઘાટના તેઓ ત્રણ વર્ષ સભ્ય રહ્યા. ગાંધી સ્મારક પ્રાકૃતિક ચિકિત્સા સમિતિના સભ્ય રહ્યા છે. ગાંધી સ્મારક નિધિ રાજઘાટ કોલોની, નવી દિલ્હીના કાર્યકારી સભ્ય પણ રહી ચૂક્યા છે. તેમણે સામાજિક સેવા, ખાદી અને ગ્રામ આંદોલન, હરિજન અને આદિવાસીઓના ઉત્કર્ષ માટે તેમજ શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને માનવીય કાર્યોમાં હંમેશા યોગદાન આપ્યું છે. ગાંધીવાદી દર્શન અને ગાંધી જીવન શૈલીથી પ્રભાવિત એવા પદ્મશ્રી ગફૂરભાઈ ગાંધીવાદી દર્શન પ્રત્યે પ્રતિબધ્ધ છે.
પદ્મભૂષણ શ્રીમતી રાજશ્રી બિરલા :
પદ્મભૂષણ શ્રીમતી રાજશ્રી બિરલા પરોપકારી, શિક્ષણવિદ, પ્રદર્શન કલા અને સંસ્કૃતિના ચુસ્ત સંરક્ષક છે. ભારત તેમજ વિશ્વસ્તર પર મહાત્મા ગાંધીજીના સંદેશ ફેલાવવાની પ્રવૃત્તિ માટે સદા સક્રિય એવા સમર્પિત ગાંધીવાદી છે. વંચિતોના ઉત્કર્ષ માટે શ્રીમતી રાજશ્રી બિરલા વર્ષોથી સતત પ્રવૃત્ત છે. એટરનલ ગાંધી મલ્ટીમીડિયા સંગ્રહાલય, ગાંધી સ્મૃતિ, દિલ્હી, બર્મિંગમ, બ્રિટનમાં ગાંધી શાંતિ કેન્દ્ર, ભુવનેશ્વરમાં ગાંધી શાંતિ કેન્દ્ર અને ન્યૂજર્સી અમેરિકામાં ગાંધી શાંતિ કેન્દ્ર જેવા અદભુત કેન્દ્રોના નિર્માણમાં શ્રીમતી રાજશ્રી બિરલા પ્રેરણાસ્ત્રોત રહ્યા છે.
ડૉ. હર્ષદ એ. પટેલ :
ડૉ. હર્ષદ પટેલે ગુજરાત યુનિવર્સિટીમાંથી પત્રકારત્વ અને માસ કોમ્યુનિકેશનમાં માસ્ટર ડિગ્રી મેળવી છે. આઇઆઇટીથી તેમણે એમ. એ. કર્યું છે. એસયુજી કોલેજ ઓફ એજ્યુકેશન અમદાવાદમાં એક શિક્ષક તરીકે એમણે ૨૨ વર્ષો સુધી અનેક શિક્ષકો તૈયાર કર્યા છે. ભારતીય અધ્યાપક શિક્ષા સંસ્થાન, ગાંધીનગરના કુલપતિ તરીકે તેમણે નોંધપાત્ર યોગદાન આપ્યું છે. જૂન 2022 થી ડૉ. હર્ષદ એ. પટેલ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના કુલપતિ તરીકે વધારાનો કાર્યભાર સંભાળી રહ્યા છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ની શાળાકીય શિક્ષણ અને ઉચ્ચ શિક્ષા માટેની ગુજરાત ટાસ્ક ફોર્સના તેઓ સભ્ય પણ છે.
શ્રી દિલીપ પી. ઠાકર :
શ્રી દિલીપ ઠાકર માહિતી આયોગમાં માહિતી કમિશનર અને મુખ્ય માહિતી કમિશનર તરીકે સેવાઓ આપી ચૂક્યા છે. રાજ્ય સરકારમાં તેમણે કાયદા વિભાગમાં વિભિન્ન પદો પર મહત્વની જવાબદારીઓ સંભાળી છે. રાજ્ય સરકારની સેવા દરમિયાન તેમણે અનેક વિભાગોમાં મહત્વની જવાબદારીઓ સંભાળી છે.
બ્યુરો ચીફ (ભાવનગર) : ડો. હકીમ ઝવેરી