હિન્દ ન્યુઝ, ભુજ
આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ની તારીખો જાહેર કરાઇ છે. જે મુજબ તા.૩/૧૧/૨૦૨૨થી ચૂંટણીને અનુલક્ષીને આદર્શ આચાર સંહિતા અમલમાં આવેલ છે અને કચ્છ જિલ્લાના છ વિધાનસભા વિસ્તારમાં તા.૧/૧૨/૨૦૨૨ના રોજ મતદાન થનાર છે. ચૂંટણીની કામગીરી તા.૩/૧૧/૨૦૨૨ થી તા.૧૦/૧૨/૨૦૨૨ સુધી ચાલશે. વિધાનસભા સામાન્ય ચુંટણીની કામગીરી દરમ્યાન આદર્શ આચાર સંહિતાના અમલ માટે જરૂરી જાહેરનામા બહાર પાડવા માટે ભારતના ચૂંટણી પંચ તરફથી સૂચનાઓ આપવામાં આવેલ છે. આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ સંદર્ભે જિલ્લામાં મતદાન બુથની આસપાસ નિવારક પગલાં માટે મતદાન મથકની ૨૦૦ મીટરની ત્રિજયાના વિસ્તારમાં કોઇપણ બુથ ઉભું કરી શકાશે નહીં. જયાં એક જ પ્રિમાઇસીસમાં એકથી વધુ મતદાન મથક ઉભા કરવામાં આવેલ હોય ત્યાં પણ આવા પ્રિમાઇસીસની ૨૦૦ મીટરની ત્રિજયાના વિસ્તારની બહાર આવા મતદાન મથકોના જુથ દીઠ એક જ બુથ પ્રતિ ઉમેદવાર ઉભા કરી શકાશે. આવા દરેક બુથ દીઠ ફકત એક ટેબલ, બે ખુરશી, અને બે જ વ્યકિત રહી શકશે અને આ બે વ્યકિતઓ હવામાન પરિસ્થિતિઓથી બચવા ફકત એક છત્રી અથવા તાડપત્રી કે કપડાનો ટુકડો ઉપયોગમાં લઇ શકશે. પરંતુ તેની ચારે બાજુથી કંતાન કે કાપડથી બંધ કરી શકશે નહીં. આવા બુથ પર ૧૦X૧૦ ફૂટથી વધારે માપના ન હોય તેવા ટેન્ટ ઉભા કરી શકાશે પરંતુ તેનો ખર્ચ ઉમેદવારના ચુંટણી ખર્ચમાં સામેલ કરવાનો રહેશે. આવા બુથો ચુંટણી અધિકારી/મદદનીશ ચૂંટણી અધિકારીની પૂર્વ પરવાનગી સિવાય ઉભા કરી શકાશે નહીં. આ લેખિત મંજુરી લઇને જે તે બુથ ઉપર રાખવાની રહેશે. તેમજ જો કોઇ સક્ષમ અધિકારી માંગે તો રહેશે. ચૂંટણી અધિકારી/મદદનીશ ચુંટણી અધિકારી દ્વારા પરવાનગીમાં દર્શાવેલ નામ સિવાયના વ્યકિત આવા બુથ પર હાજર રહી શકશે નહીં. આવા બૂથ ફકત ભારતના ચુંટણી દ્વારા આપવામાં આવેલ સૂચનાઓને આધીન તૈયાર કરવામાં આવેલ ઉમેદવારના નામ અને પ્રતિક તેમજ રાજકીય પક્ષના નામ છાપ્યા સિવાયની બિનસતાવાર મતદાર કાપલી કાઢી આપવાના એક માત્ર હેતુથી જ ઉભા કરી શકાશે. આવા બુથ પર ઉમેદવારનું નામ, તેમના પક્ષ અને તેમને ફાળવવામાં આવેલ ચુંટણી પ્રતીક દર્શાવવા માટે માત્ર એક જ બેનર, જેની લંબાઇ અને પહોળાઇ ૩ ફૂટ X ૪.૫ ફૂટ કરતા વધુ લંબાઇ અને પહોળાઇ ન હોય, તે દર્શાવી શકાશે. આવા બુથ ઉપર કોઇપણ સંજોગોમાં ભીડ જમા થઇ શકશે નહીં. જે વ્યકિતઓ મતદાન કરી ચૂકયા હોય તેવા વ્યકિતઓ આવા બુથ પર જઇ શકશે નહીં. આવા બુથ પર રહેલ વ્યકિતઓ કોઇપણ સંજોગોમાં મતદારોને અન્ય ઉમેદવારના બુથ તરફ જતાં કે મતદાન મથક તરફ જવાના રસ્તામાં કોઇપણ પ્રકારે મતદારોને તેમની ઈચ્છા મુજબ પોતાનો મતાધિકાર ભોગવવાથી અવરોધી શકશે નહીં. ચૂંટણી તથા પોલીસના અધિકૃત અધિકારી/કર્મચારી સિવાય અન્ય કોઇપણ વ્યકિત મતદાન મથકના ૧૦૦ મીટરીની ત્રિજયામાં કોઇપણ સેલ્યુલર ફોન, કોર્ડલેસ ફોન, વાયરલેસ સેટ વિગેરે લઇને જઇ શકશે નહીં. આ હુકમનું ઉલ્લંઘન કરનાર વ્યકિત ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાત્મક પોલીસ કાર્યવાહી કરવાને પાત્ર ઠરશે.