હિન્દ ન્યુઝ, ભુજ
આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ની તારીખો જાહેર કરાઇ છે. જે મુજબ તા.૩/૧૧/૨૦૨૨થી ચૂંટણીને અનુલક્ષીને આદર્શ આચાર સંહિતા અમલમાં આવેલ છે અને કચ્છ જિલ્લાના છ વિધાનસભા વિસ્તારમાં તા.૧/૧૨/૨૦૨૨ના રોજ મતદાન થનાર છે. ચૂંટણીની કામગીરી તા.૩/૧૧/૨૦૨૨ થી તા.૧૦/૧૨/૨૦૨૨ સુધી ચાલશે. વિધાનસભા સામાન્ય ચૂંટણીની કામગીરી દરમ્યાન આદર્શ આચાર સંહિતાના અમલ માટે જરૂરી જાહેરનામા બહાર પાડવા માટે ભારતના ચૂંટણી પંચ તરફથી સૂચનાઓ આપવામાં આવેલ છે. જાહેરનામા અનુસાર જિલ્લામાં તા.૧/૧૨/૨૦૨૨ મતદાનના દિવસે મતદાન મથકમાં મતદારો, મતદાન અધિકારીઓ, ઉમેદવાર, તેના ચૂંટણી એજન્ટ અને એક સમયે ઉમેદવારના એક જ મતદાન એજન્ટ, ભારતના ચૂંટણી પંચ દ્વારા અધિકૃત કરવામાં આવેલ વ્યક્તિઓ, ફરજ પરના જાહેર સેવક, મતદારના હાથમાં રહેલ બાળક, અંધ/અશક્ત મતદાર કે જે કોઇ વ્યક્તિની મદદ સિવાય હલી ચલી શકતા નથી તેવા મતદારો સાથે કોઇ એક વ્યક્તિ, પ્રિસાઇડીંગ ઓફિસર મતદારોને ઓળખવા અથવા મતદાનના કાર્યમાં પ્રિસાઇડીંગ ઓફિસરને મદદ કરવાના હેતુસર પરવાનગી આપે તેવી અન્ય કોઇ વ્યક્તિ જ પ્રવેશ કરી શકશે તેના સિવાય કોઇ વ્યક્તિ મતદાન મથકમાં પ્રવેશ કરી શકશે નહીં. આ હુકમનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતી કલમ-૧૮૮ હેઠળ શિક્ષાત્મક પોલીસ કાર્યવાહી કરવાને પાત્ર ઠરશે તેમજ દોષિત જાહેર થનારને એક માસની સાદી કેદ અથવા રૂ.૨૦૦ નો દંડ અથવા બન્ને સજા થઇ શકે છે.