હિન્દ ન્યુઝ, ભુજ
ભારતનાં ચૂંટણી આયોગ દ્વારા વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨નો ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયેલ છે. તે મુજબ આગામી તા.૧/૧ર/૨૦૨૨ના રોજ મતદાન યોજાનાર છે. ચૂંટણીના મુક્ત, ન્યાયી અને સરળ સંચાલન માટે તથા કાયદો અને વ્યવસ્થાની જાળવણી સુનિશ્વિત કરવા જાહેર શાંતી અને સલામતી જળવાઈ રહે તે માટે મતદાન મથકમાં અડચણ અટકાવવા તથા તેની નજીક પ્રચાર કરવા ઉપર પ્રતિબંધ ફરમાવવો જરૂરી જણાય છે. આથી, જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩(૧૯૭૪નો બીજો અધિનિયમ) ની કલમ- ૧૪૪થી મને મળેલ સત્તાની રૂઈએ ફરમાવેલ છે કે, તા.૦૧/૧ર/૨૦૨૨ના રોજ મતદાનના દિવસે મતદાન મથકની અંદર તથા મતદાન મથકથી ૧૦૦ મીટરના અંતરમાં આવેલ વિસ્તારમાં કોઈપણ વ્યક્તિએ નીચેના કૃત્યો કરવા ઉપર પ્રતિબંધ ફરમાવેલ છે. મત માટે પ્રચાર કરવો. મતદારોને ધાક-ધમકી આપીને કે રંજાડીને મતદાન કરવા જતાં અટકાવવા. કોઈ મતદારોને મત આપવા આગ્રહપુર્વક વિનંતી કરવી. અમુક ઉમેદવારને મત ન આપવા માટે કોઈ મતદારને સમજાવવા. કોઈ મતદારને ચૂંટણીમાં મત ન આપવા સમજાવવા. ચૂંટણીને લગતી (સરકારી નોટીસ સિવાયની) કોઈ નોટીસ કે નિશાની પ્રદર્શિત કરવી. વાહન સાથે આવવું. મતદાન મથકમાં મતદાર, ઉમેદવાર/ચૂંટણી એજન્ટ તથા ચૂંટણી પંચે અધિકૃત કરેલ વ્યક્તિ સિવાયની વ્યક્તિએ પ્રવેશ કરવો. મતદારે પોતાનો મત આપ્યા પછી મતદાન મથક તથા તેનાં વિસ્તાર ન છોડી અડચણ ઉભી કરવી.
આ જાહેરનામામાં અપવાદ છે. જેમાં કાયદો અને વ્યવસ્થાના ઈન્ચાર્જ અધિકારીઓ અને મતદાન મથક નજીક ફરજ ઉપર મુકેલ સલામતી કર્મચારીઓ, રાજ્ય ચૂંટણી પંચે નિમેલ નિરીક્ષકો અને ચૂંટણી ફરજ પરના અધિકારીઓ સહિતના મતદાનની ફરજોનો હવાલો ધરાવતા અધિકારીઓ/કર્મચારીઓને ઉપરની ક્રમ નં.૭ની બાબતો લાગુ પડશે નહીં. આ જાહેરનામાનો ભંગ/ઉલ્લંધન કરનાર ઈસમ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાના અમલ તથા તેના ભંગ બદલ પગલા લેવા તથા ફોજદારી કામ માંડવા માટે હેડકોન્સ્ટેબલ કે તેનાથી ઉપરના દરજ્જાનાં અધિકારીઓને અધિકૃત કરવામાં આવે છે. આ જાહેરનામું ભાવનગર જિલ્લાના સમગ્ર વિસ્તારને લાગુ પડશે. આ જાહેરનામાનો અમલ તા.૦૧/૧ર/૨૦૨૨ના રોજ મતદાનના દિવસે કરવાનો રહેશે.