હિન્દ ન્યુઝ, બોટાદ
આજે 8 ઓકટોબર એટલે કે ભારતીય વાયુસેના દિવસ. ગૌરવ અને ગર્વ સાથે ગગનને આંબતી ભારતીય વાયુસેના દુનિયામાં અજોડ છે. અદમ્ય સાહસ, પ્રતિષ્ઠા અને શૌર્યનો પરિચય કરાવતી વાયુસેનાની વર્ષ 1932માં આજના દિવસે સ્થાપના થઈ હતી. 1 એપ્રિલ 1933ના રોજ વાયુસેનાની પહેલી સ્ક્વોડ્રોન બનાવવામાં આવી હતી. તેમાં 6 RAF ટ્રેન્ડ ઓફિસર અને 19 એરફોર્સ સૈનિક સામેલ હતા.
આઝાદી બાદ વર્ષ 1950માં વાયુસેનાના નામમાંથી ‘રોયલ’ શબ્દ દૂર કરીને ‘ઈન્ડિયન એરફોર્સ’ કરી દેવામાં આવ્યું હતું. ભારતીય વાયુસેનાનું આદર્શ વાક્ય ‘नभः स्पृशं दीप्तम’ શ્રીમદ્ ભગવત ગીતાના 11માં અધ્યાયમાંથી લેવામાં આવ્યું હતું. જે ભગવાન કૃષ્ણ દ્વારા અર્જુનને આપવામાં આવેલા ઉપદેશનો એક અંશ છે. તેનો અર્થ થાય છે – ગર્વથી આકાશને સ્પર્શવું.
ભારતીય વાયુ સેનાનો ધ્વજ તેના સિમ્બોલથી અલગ વાદળી કલરનો છે. જેમાં એક ચતુર્થાંશ ભાગમાં રાષ્ટ્ર ધ્વજ છે. તો મધ્ય ભાગમાં રાષ્ટ્રધ્વજના કેસરી, સફેદ અને લીલા રંગનું બનેલું એક ગોળ છે. આ ધ્વજને 1951માં અપનાવવામાં આવ્યો હતો.
‘ભારતીય વાયુસેના’ વિષમ પરિસ્થિતીમાં એરલિફટ, રેસ્ક્યૂ, રાહત અને બચાવ કામગીરી જેવા અનેક ઓપરેશન માટે હંમેશા તૈયાર રહે છે. ભારતની અંતરિક્ષ વિજ્ઞાન સંસ્થા ઈસરો સાથે મળીને ભારતીય વાયુસેના દેશની સુરક્ષા માટે સજાગ રહે છે. ઉપરાંત આફતના સમયે નાગરિકોને બચાવવા માટે વાયુસેના હંમેશા તત્પર રહે છે.
ભારતીય વાયુસેના વિશ્વની સૌથી શક્તિશાળી વાયુસેનામાંની એક છે. વર્તમાન સમયમાં અત્યાધુનિક વિમાનો સાથે ભારતીય વાયુસેનાના જાંબાઝ જવાનોએ દેશને ગૌરવ અપાવ્યું છે. ભારતીય વાયુસેના સશસ્ત્ર સેનાનું એવું અંગ છે કે જે હવાઈ હુમલાઓ અને હવાઈ નિરીક્ષણ દ્વારા દુશ્મનોથી દેશની રક્ષા કરે છે.
રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ